સરકારનો નિર્ણય : સામાજિક લાગણી દુભાય નહીં તે માટે આ શબ્દ પર લગાવાયો પ્રતિબંધ

ઠાકરડા શબ્દનો પ્રયોગ બંધ કરવાનું કહેવામાં આવ્યું

રાજ્ય સરકારે સામાજિક લાગણી દુભાય નહીં તે માટે ઠાકરડા શબ્દ પર પ્રતિબંધ મૂક્યો છે, તેની જગ્યાએ હવે ઠાકોર શબ્દપ્રયોગ કરવો પડશે. રાજ્યમાં છ જાતિના લોકો પર સીધી અસર થતી હોવાથી અનેક રજૂઆતો મળ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આ શબ્દ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એટલું જ નહીં મહેસૂલી રેકોર્ડ અને પંચાયતના રેકોર્ડમાં આ શબ્દ સુધારવા અને સંબોધન ન કરવાની સૂચના આપવામાં આવી છે. અપમાન અને તિરસ્કાર જેવી લાગણી વ્યક્ત થતી હોવાથી આ શબ્દનો પ્રયોગ નહીં કરવા કહેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ૧૪૬ જાતિઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં ૭૨મા ક્રમાંક પર ‘ઠાકરડા, ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા, પગી’ જાતિનો સમાવેશ કરવામાં આવેલો છે, આ પૈકી ઠાકરડા શબ્દનો પ્રયોગ બંધ કરવાનું કહેવામાં આવ્યું છે.

બધે ઠાકોર શબ્દ સુધારવાનો રહેશે

હવે જ્યાં જાતિ તરીકે ઠાકરડા શબ્દનો ઉલ્લેખ હોય ત્યાં બધે ઠાકોર શબ્દ સુધારવાનો રહેશે. આ જાતિના નાગરિકોએ તેમના બાળકોના શાળા પ્રવેશ વખતે પણ જાતિ તરીકે ઠાકરડા લખાવ્યું હોય કે મહેસૂલી રેકોર્ડમાં આ શબ્દનો પ્રયોગ થયો હોય તો તેના સ્થાને ઠાકોર સમજવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *