રાજકોટ લોકસભા બેઠક પર ના વિવાદ નો અંત ક્યારે…!!!???

વિવાદમાં આવેલા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી પરસોતમ રૂપાલાના મામલે ડેમેજ કંટ્રોલની જવાબદારી હવે વડાપ્રધાન મોદીએ પરોક્ષ રીતે સંભાળી લીધી હોવાનું ચિત્ર ઊભરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વડાપ્રધાન મોદી ગૃહ વતન ગુજરાતમાં 19 એપ્રિલ બાદ ચૂંટણી સભા ગજવવા આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસની શરૂઆત સૌરાષ્ટ્રથી કરશે અને તેમાય વિવાદિત બેઠક બનેલ રાજકોટમાં 22 એપ્રિલે જનસભાને સંબોધન કરીને કરશે. વડાપ્રધાન મોદી રાજયમાં 4 ઝોનમાં પ્રવાસ કરશે અને અંદાજે છથી વધુ સભાને સંબોધન કરશે. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં રોડ શો અને ગ્રામ્ય વિસ્તારમાં સભાને સંબોધન કરે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. 

અત્રે એ ઉલ્લેખનીય છે કે વિવાદિત નિવેદન આપ્યા બાદ ક્ષત્રિય સમાજમાં રૂપાલા સામે દિન પ્રતિદિન રોષ વધતો જાય છે અને ક્ષત્રિય સમાજ દ્વારા રોજેરોજ અલગ અલગ સ્થળે સમાજનું સંમેલન બોલાવીને રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ કાયમ હોવાનું નિવેદન આપે છે ત્યારે રૂપાલાની ટિકિટ રદ્દ કરવાનું ભાજપને યોગ્ય લાગતું નથી અને બીજી બાજુ ક્ષત્રિય સમાજ ટિકિટ રદ્દ કરવાની માંગ પર અડગ જ છે ત્યારે જામનગરના જામ સાહેબે પણ બુધવારે ફરી એક પત્ર થકી નિવેદન કરી રૂપાલાને માફ કરવા અનુરોધ કર્યો છે.

24 કલાકમાં જામ સાહેબનું હ્રદય પરિવર્તન 

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે ક્ષત્રિયોમાં રોષ દિન પ્રતિદિન ઉગ્ર બની રહ્યો છે અને રૂપાલાની ટિકિટ રદ્દ કરવાના મુદ્દે અડગ હોવાના દાવાઓ ક્ષત્રિય સમાજના વિવિધ આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે જામનગરના જામ સાહેબનું રૂપાલા મામલે 24 કલાકમાં હ્રદય પરિવર્તન થતાં ક્ષત્રિય સમાજમાં પણ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. 

જામનગરના જામ સાહેબે બુધવારે પત્ર જાહેર કરીને રૂપાલાને આડકતરી રીતે માફી આપવા માટે સૂચન કરવામાં આવ્યું છે તેમણે પત્રમાં લખ્યું છે કે મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનો સમય છે ત્યારે રૂપાલાને માફી આપી દેવી જોઈએ 

અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ પત્ર પ્રસિદ્ધ કરી જામ સાહેબે કહ્યું હતું કે હવે દેશમાં લોકશાહી છે તેથી કોઈ પણ બાબતનો ઉકેલ લોકશાહીથી લાવવો જોઈએ . તેમણે બેલેટ થકી રૂપાલા સામે બદલો લેવાનું સૂચન કર્યું હતું પણ 24 કલાકમાં બીજો પત્ર પ્રસિદ્ધ કરી તેમણે રૂપાલાને માફી આપવાનું સૂચન કરતાં ક્ષત્રિય સમાજના લોકોમાં જ હવે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે . 

ક્ષત્રિય સમાજના લોકોમાં ચાલતી ચર્ચા અનુસાર જામ સાહેબને દિલ્હીથી કોઈ અગ્રણી નેતાનો ફોન કે સંદેશ આવ્યો હોય તો જ 24 કલાકમાં હ્રદય પરીવર્તન થયું હોય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *