મોનસૂન સત્રમાં ‘વંદે માતરમ બિલ’ પર ઘમાસાણની શક્યતા, સરકાર કરશે રજૂઆત; વિપક્ષે કર્યો વિરોધ

મોનસૂન સત્રમાં ‘વંદે માતરમ બિલ’ પર ઘમાસાણની શક્યતા, સરકાર કરશે રજૂઆત; વિપક્ષે કર્યો વિરોધ

નવી દિલ્હી: સંસદના મોનસૂન સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર ‘વંદે માતરમ બિલ’ રજૂ કરવાની તૈયારીમાં છે. પ્રસ્તાવિત બિલ દ્વારા ‘વંદે માતરમ’ને કાનૂની સુરક્ષા અને વિશેષ સન્માન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ તેના અપમાન અથવા ગાનમાં વિક્ષેપ ઊભો કરનાર સામે કડક દંડની જોગવાઈનો પણ પ્રસ્તાવ છે. બીજી તરફ વિપક્ષી પક્ષોએ આ બિલનો વિરોધ શરૂ કરી દીધો છે અને તેને સરકાર દ્વારા મૂળભૂત મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ગણાવ્યો છે.

પ્રસ્તાવિત બિલ મુજબ જો કોઈ વ્યક્તિ ‘વંદે માતરમ’નું અપમાન કરશે, તેના ગાનમાં જાણીજોઈને અવરોધ ઊભો કરશે અથવા કાર્યક્રમમાં અશાંતિ ફેલાવશે તો તે દંડનીય ગુનો ગણાશે. આવા કેસમાં દોષી સાબિત થવા પર ત્રણ વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને સજાની જોગવાઈ રાખવામાં આવી છે.

બિલમાં સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ‘વંદે માતરમ’ના ગાનને અનિવાર્ય બનાવવાનો પણ પ્રસ્તાવ છે. બિલ પસાર થયા બાદ ‘વંદે માતરમ’ના અપમાનને રાષ્ટ્રીય ધ્વજ, રાષ્ટ્રગાન અને સંવિધાનના અપમાન જેટલું જ ગંભીર માનવામાં આવશે.

સરકારનું કહેવું છે કે આ વર્ષે ‘વંદે માતરમ’ની રચનાના 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાથી દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ જ ઉજવણીના ભાગરૂપે બિલ લાવવામાં આવી રહ્યું છે. અગાઉ ફેબ્રુઆરીમાં ગૃહ મંત્રાલયે રાજ્યોને સરકારી કાર્યક્રમોમાં રાષ્ટ્રગાન પહેલાં ‘વંદે માતરમ’ ગાવા અંગે સૂચના પણ આપી હતી.

‘વંદે માતરમ’ની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે 1875માં કરી હતી. ગીતમાં કુલ છ અંતરા છે. પ્રથમ બે અંતરામાં માતૃભૂમિના ગૌરવ અને સૌંદર્યનું વર્ણન છે, જ્યારે પાછળના અંતરામાં ભારત માતાની તુલના દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતી જેવી હિંદુ દેવીઓ સાથે કરવામાં આવી છે. આ ધાર્મિક સંદર્ભને કારણે ભૂતકાળમાં કેટલાક મુસ્લિમ સંગઠનો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 1937માં જાહેર કાર્યક્રમોમાં માત્ર પ્રથમ બે અંતરા જ ગાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ બિલને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપનું કહેવું છે કે અગાઉની સરકારોએ વિરોધના કારણે ‘વંદે માતરમ’ને યોગ્ય સન્માન આપ્યું નહોતું. જ્યારે સમાજવાદી પાર્ટી (સપા) અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સહિતના વિપક્ષી પક્ષોએ બિલને સંવિધાનની ભાવના વિરુદ્ધ અને સરકારની ખોટી પ્રાથમિકતા ગણાવ્યું છે. મોનસૂન સત્ર પૂર્વે રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી સર્વદળીય બેઠકમાં પણ આ મુદ્દે વિપક્ષે વોકઆઉટ કર્યું હતું.

હવે સંસદમાં આ બિલ રજૂ થતાં જ સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા અને રાજકીય ઘમાસાણ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *