માંગરોળની કેમિકલ કંપનીમાં રિએક્ટર મેઇન્ટેનન્સ દરમિયાન ગેસ ગળતરથી બે કામદારનાં મોત

સુરતના માંગરોળ તાલુકાના નાના બોરસરા નજીક આવેલી મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ગંભીર ઘટના સામે આવી છે. રિએક્ટરના મેઇન્ટેનન્સ દરમિયાન બે કામદારનાં ગેસ ગળતરથી મોત નીપજ્યાં છે.

ઘટનાની વિગતો મુજબ, કામદારો રાજન શર્મા અને રાજન સિંગ ટાંકી સાફ કરવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ગેસ ગળતર થતાં બંને કામદારને ગેસની અસર થઈ હતી. બંને કામદારને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જોકે વધુ સારવાર મળે એ પહેલાં જ બંનેનાં મોત નીપજ્યાં હતાં. કંપનીનાં સૂત્રોના જણાવ્યા મુજબ, મૃત થયેલા કામદારો 2 વર્ષથી કામ કરતા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તેઓ કામકાજ માટે અપડાઉન કરતા હતા.
આ કંપનીમાં જતુંનાશક દવાઓ બનાવવા ઉપયોગી કેમિકલ બનાવતા હતા, જેને લોકલ માર્કેટમાં વેચાણ કરતા હતા.
ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકોનાં પરિવારજનો પણ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કોસંબા પોલીસ પી.આઈ. ડી.એલ. ખાચર પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે.