મહુવામાં સગીરા ની છેડતી થતાં વિફરેલા ટોળાએ આરોપીની દુકાનમાં આગ ચાંપી, આરોપી વલસાડથી ઝડપાયો.

મહુવામાં સગીરા ની છેડતી થતાં વિફરેલા ટોળાએ આરોપીની દુકાનમાં આગ ચાંપી, આરોપી વલસાડથી ઝડપાયો.

મહુવા
મહુવા

સુરત જિલ્લાના મહુવા તાલુકાના એક ગામમાં એક ગંભીર ઘટનાએ તંગદિલી સર્જી છે. 12 વર્ષીય સગીરા સાથે છેડતીના આરોપી પરપ્રાંતિય યુવકને પોલીસે છોડી મૂકતાં સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આક્રોશિત ટોળાએ આરોપીની દુકાનમાં આગ ચાંપી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જોકે, પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને વલસાડ પાસેથી ઝડપી પાડ્યો છે.

મહુવા 1
મહુવા 1

શુક્રવારે સવારે એક 12 વર્ષીય સગીરા રડતી હાલતમાં શાળાએ પહોંચી હતી. તેણે શિક્ષિકાને જણાવ્યું કે, ગામના બજારમાં આવેલી ‘રાજ નોવેલ્ટી’ દુકાનનો માલિક કિશન તારારામ ચૌધરી (મારવાડી)એ તેના છાતીના ભાગે અડપલાં કરી છેડતી કરી હતી. શિક્ષિકાએ તાત્કાલિક ગામના સરપંચને જાણ હતી.

ગામના સરપંચને સગીરાની છેડતી અંગે થતાં જ શાળાના સ્ટાફ સાથે રાજ નોવેલ્ટીમાં જઈ દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં યુવાન સગીરાનો હાથ પકડી ઊંચો કરતો હોવાનુ નજરે પડતાં જ સરપંચ કેયુર પટેલે પરપ્રાંતિય યુવાનને મેથીપાક આપ્યો હતો. જે બાદ ઘટના અંગે પોલીસને જાણ કરી પરપ્રાંતીય યુવાનને પોલીસ હવાલે કર્યો હતો.

પોલીસે આરોપી કિશનને કસ્ટડીમાં લીધો હતો. જોકે, સગીરાના પરિવારે શરૂઆતમાં પોલીસ ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કરતાં પોલીસે કિશનને સાંજે છોડી મૂક્યો હતો. આ સમાચાર ગામમાં ફેલાતાં જ સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

મહુવા 2
મહુવા 2

પોલીસે આરોપીને છોડી મૂક્યાના સમાચાર મળતાં જ બે હજારથી વધુ લોકોનું આક્રોશિત ટોળું એકઠું થયું હતું. આ ટોળાએ આરોપી કિશન મારવાડીની દુકાન ‘રાજ નોવેલ્ટી’ પર પથ્થરમારો કર્યો. કેટલાક લોકોએ દુકાનનો સામાન બહાર કાઢીને આગ લગાવી દીધી હતી.

મહુવા 3
મહુવા 3

બે હજારથી વધુ લોકોનું ટોળુ રાત્રે ભેગું થઈ જતાં મામલો ગરમાયો હતો અને વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટનાને પગલે ગામમાં તેમજ મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. કલાકો સુધી ટ્રાફિક જામ રહેતા પોલીસને પણ ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રાત્રી દરમિયાન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે, ટોળાએ પોલીસનો પણ ડર રાખ્યા વિના પોલીસની હાજરીમાં જ દુકાનમાં પથ્થરમારો અને આગચંપી ચાલુ રાખી હતી. ટોળાને અટકાવવા ગયેલી પોલીસ સાથે પણ ઝપાઝપી થઈ અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો, જેમાં એક પોલીસકર્મીને માથામાં ઈજા થઈ હતી.

મહુવા 4

પરિસ્થિતિની ગંભીરતા જોતાં ગામમાં જિલ્લાભરની પોલીસનો વધારાનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ફાયર બ્રિગેડની ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. આ ઘટનાને પગલે ગામમાં અને સ્ટેટ હાઈવે પર ભારે ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો.

છેડતી કરનાર આરોપી કિશન તારારામ ચૌધરી મોડી સાંજે ગામ છોડીને ભાગી ગયો હતો. આ અંગેની જાણ થતાં ટોળામાં વધુ રોષ ફેલાયો હતો. મહુવા પોલીસે તાત્કાલિક આ ઘટનાને ગંભીરતાથી લઈ યુવકની શોધખોળ હાથ ધરી હતી. મળેલા અહેવાલો મુજબ, પોલીસે રાત્રિના જ યુવકને વલસાડ નજીકથી ઝડપી લીધો છે. પૂછતાછ દરમિયાન યુવકે સગીરાની છેડતી કરી હોવાની વાત કબૂલ કરી હતી. હાલ તેની ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલી રહી છે.

આજરોજ, આ બનાવના અનુસંધાને ફરિયાદીની 13 વર્ષીય દીકરીની છેડતી બાબતે BNS, પોક્સો અને એક્ટ્રોસિટી મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવ્યો છે. ગામમાં હાલમાં સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને શાંતિ જળવાઈ રહી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *