ભુમાફિયાઓની ખેર નહિ..!! ગેરકાયદેસર જમીન પચાવનાર સામે ફરિયાદ નોંધાશે

(ગાંધીનગર)

રાજય ખેડૂતોની જમીન પચાવી પાડવાના અને ગેરકાયદેસર રીતે જમીનનો કબજો મેળવી લેનારા તત્ત્વોનો ત્રાસ વધી ગયો હતો જેના પગલે સરકારે લેન્ડ ગ્રેબીંગ એકટ લાગુ કર્યો છે જેના પગલે જિલ્લાનું તંત્ર પણ એકશન મોડમાં આવી ગયું છે. જિલ્લા કલેકટરે આ અંગે ખેડૂતો સહિત અન્ય જમીનો પચાવી પાડનાર તત્ત્વો સામે જિલ્લા સમિતિ સમક્ષ ફરિયાદ કરવા જણાવ્યું છે. સમિતિ દ્વારા તપાસ કરીને ર૧ દિવસમાં ગુનો દાખલ કરવામાં આવશે. સરકારી જમીન ઉપર કબ્જો જમાવનાર વ્યક્તિઓ સામે પણ ફરિયાદ કરવા જણાવાયું છે.

ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારોમાં જમીનોના ભાવ કરોડો રૃપિયાને આંબી રહયા છે ત્યારે ખેડૂતોની આ મહામુલી જમીન પચાવી પાડવા માટે ભુમાફીયાઓ સક્રિય થયા છે. ખેડૂતોની જાણ બહાર ખોટા બાનાખત અને પુરાવા ઉભા કરી ખેડૂતોની જમીન ઉપર કબજો જમાવી લીધો છે. એટલું જ નહીં સરકારની પડતર અને ગૌચર જમીન ઉપર પણ આવા ભુમાફીયાઓનો કબજો હોય છે. ત્યારે આવી સ્થિતિમાં રાજય સરકારને મળેલી વ્યાપક ફરિયાદોના પગલે આવા તત્ત્વો સામે પગલાં ભરવા તાજેતરમાં જ ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટ બહાર પાડવામાં આવ્યો છે. જેને લઈ ગાંધીનગરમાં જિલ્લા વહીવટી તંત્ર પણ એકશન મોડમાં આવી ગયો છે. ત્યારે જિલ્લા કલેકટર કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા જમીન પચાવી પાડવા તથા તેને સંલગ્ન પ્રવૃતિઓને ડામવા માટે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ ઓર્ડીનન્સ બહાર પાડવામાં આવ્યો છે જેનો મુખ્ય હેતુ જમીન ઉપર અન્ય ઈસમો કે તેની કોઈ કાયદેસરની માલિકી ના હોય અથવા  કાયદેસરના હકકદાર ના હોય તેમ છતાં કાયદા વિરૃધ્ધનું આચરણ કરીને ધાકધમકીઓ આપી કે દગાપૂર્વક કે બળજબરીપૂર્વક જમીનનો કબજો મેળવી જમીનની ઉપર બાંધકામની પ્રવૃતિ કરી, જમીન ગેરકાયદેસર રીતે ભાડે આપવી, જમીનનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવા જેવી પ્રવૃતિ કરનાર કે કરાવનાર વ્યક્તિ અથવા સંગઠન કે કંપની દ્વારા જમીન પચાવી પાડવાની ગેરકાયદે પ્રવૃતિ અટકાવવાની છે તેમજ આવી પ્રવૃતિઓ કરનારને કાયદાનું ભાન કરાવવા ખાસ કોર્ટ કેસ ચલાવી છ માસમાં આવા તત્ત્વોને દસથી ચૌદ વર્ષ સુધીની સજા અને દંડ થાય તે માટે આ વટહુકમ લાવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *