ભચાઉમાં દબાણો : શહેરમાં વધતા અતિક્રમણો મુદ્દે તંત્રનું અકળાવનારું મૌન

ભચાઉમાં દબાણો : ભચાઉમાં જેમ દબાણો દિવસે ન વધે એટલા રાતે અને રાત્રે ન વધે એટલા દિવસે વધી રહ્યા છે આમ છતાં પણ તંત્ર કે નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી. વહેલી તકે દબાણો નહીં હટે તો શહેરને દબાણ નગરીનું બિરૂદ મળશે તેમ જાગૃત લોકો કહી રહ્યા છે.

નગરપાલિકા કચેરીની દિવાલ આગળ ધીરે ધીરે રેંકડીઓ વધી રહી છે તો બસ સ્ટેશન નજીક પણ લારીઓ અને કેબીનો અને તેની ઉપર પાકા દબાણો વધી રહ્યા છે પરંતુ ઘણા સમયથી તંત્ર અને સુધરાઇ ઘોર નિંદ્રામાં છે. વિવિધ વિસ્તારમાં રાજકીય સંગઠનો સાથે જોડાયેલા કાર્યકર્તાઓ અને આગેવાનોના દબાણો પણ આવેલા છે જેને સ્વેચ્છાએ દૂર કરાય તો અન્ય દબાણો આપમેળે દૂર થાય તેમ છે. જૂના અને નવા એસટી બસ સ્ટેશન, બટીયા તળાવથી મુખ્ય બજારમાં દબાણો મોટા પ્રમાણમાં વધી રહ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ગુજરાતભરમાં દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં ‘દાદાના બુલડોઝર’ની પ્રશંસા થઈ રહી છે ત્યારે ભચાઉમાં દાદાનું બુલડોઝર પોતાની કામગીરી શરૂ કરે તે પહેલા પાલિકા અને સરકારી તંત્ર પોતાની નિષ્ઠા અને ફરજ નિભાવી દબાણો દૂર હટાવી શહેરના રોડ રસ્તાઓ વધુ પહોળા કરે તે સમયની માંગ છે.
તાલુકામાં ભૂતકાળમાં ફરજ બજાવી ચૂકેલા કેટલાક નિવૃત્ત તલાટીઓ અનુભવના આધારે હાલ જમીન લે વેચ કરે છે સાથે કઈ જગ્યાએ દબાણ થઈ શકે, સરકારી દફતરમાં કઈ રીતે સુધારા વધારા કરી દબાણને કાયદેસર કરાવી આપવાની કામગીરી કરી રહ્યા છે તેવા આક્ષેપો ઉઠ્યા છે.