કચ્છમાં અપમૃત્યુના બનેલા 3 બનાવ, ગાંધીધામમાં સૂતેલા યુવક પર ટ્રક ફરી વળ્યું

કચ્છ જિલ્લામાં ત્રણ અલગ-અલગ ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. ગાંધીધામમાં સૂતેલા યુવક પર ટ્રક ફરી વળ્યું હતું. નલિયામાં તરુણ ટ્રેક્ટર નીચે આવી ગયો હતો, જ્યારે ભુજમાં શ્વાસ ચઢવાથી યુવતીનું મોત થયું છે.
ગાંધીધામમાં એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક આવેલા અપના પાર્કિંગમાં ચોકીદાર તરીકે કામ કરતા ઝુરા ગામના દિલુભા જાડેજાનું મોત થયું છે. વહેલી સવારે ટ્રક ટેન્કર GJ 12 AT 5921 વળાંક લેતી વખતે ખાટલામાં સૂતેલા દિલુભા પર ફરી વળ્યું હતું. ગંભીર ઈજાઓને કારણે રામબાગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
નલિયામાં બનેલા બીજા બનાવમાં 16 વર્ષીય પ્રહલાદસિંહ જાડેજાનું ટ્રેક્ટર નીચે કચડાવાથી મોત થયું છે. જખો રોડ પર ભગવતી પેટ્રોલ પંપ તરફ જતી વખતે ટ્રેક્ટર નંબર GJ-12-FD-2924માં સવાર પ્રહલાદસિંહ કૂતરું આવતા અચાનક બ્રેક મારતાં નીચે પડી ગયો હતો. ટ્રેક્ટરના ટાયર નીચે આવી જવાથી માથામાં ગંભીર ઈજાને કારણે તેનું મોત નિપજ્યું હતું.
ભુજના એરપોર્ટ રોડ પર ત્રીજો બનાવ બન્યો છે. વાડીમાં પતિ સાથે પાણી વાળી રહેલી 28 વર્ષીય મમતા કોલીને અચાનક શ્વાસ ચઢી જતાં તેને જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. બપોરે 1.36 વાગ્યે તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસે તમામ કેસોમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.