
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય અને મનપાના 2816 આરોગ્ય કર્મચારીને 16 જાન્યુઆરીએ પ્રથમ ડોઝ અપાશે પુનાથી કોવિશિલ્ડ વેક્સિનનો અમદાવાદ એરપોર્ટે સવારે 11 કલાકે આવેલો પ્રથમ જથ્થો માત્ર 30 મિનિટમાં ગ્રીનકોરીડોરમાં ગાંધીનગર ઝોનકક્ષાના ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ખાતે આવી પહોંચ્યો હતો. ગાંધીનગર અને ભાવનગર ઝોનનો કુલ 1.56 લાખ ડોઝનો જથ્થો 13 બોક્સમાં આવ્યો હતો. ગાંધીનગર ઝોન માટે 9 બોક્સમાં કુલ 1.08 લાખ ડોઝ અને ભાવનગર ઝોન માટે 4 બોક્સમાં 48000 ડોઝનો સમાવેશ થાય છે. જે આરોગ્ય વિભાગની સૂચનાને આધારે મોકલવામાં આવશે. કોરોનાની કોવિશિલ્ડ વેક્સિનને તારીખ 16મી, જાન્યુઆરીએ ગાંધીનગર મનપા અને ગ્રામ્યના 2816 આરોગ્ય કર્મચારીઓને પ્રથમ ડોઝ અપાશે.મેડિકલ ક્ષેત્રમાં અંગોના દાન કે કોઇ વેક્સિનને એક જગ્યાએથી નિયત કરેલી બીજી જગ્યાએ સમય મર્યાદામાં લઇ જવા માટે વ્યવસ્થા કરાય છે. જેમાં ટ્રાફિક સહિત કોઇપણ પ્રકારની અડચણ ઊભી થાય નહીં તે માટે પોલીસ પેટ્રોલીંગ સાથે લઇ જવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટ ખાતે આવેલી કોવીશિલ્ડ વેક્સિનના જથ્થાને ગ્રીનકોરીડોરમાં ગાંધીનગર ખાતે લવાઈ હતી.ગાંધીનગર ઝોનમાં 6 જિલ્લા અને 1 મહાનગરપાલિકાનો સમાવેશ કરાયો છે. જેમાં ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય માટે 14500, મનપા માટે 4500, મહેસાણા જિલ્લા માટે 16500, પાટણ જિલ્લા માટે 16500, સાબરકાંઠા જિલ્લા માટે 15000, બનાસકાંઠા જિલ્લા માટે 18000, અરવલ્લી જિલ્લા માટે 11500 વેક્સિનનો ડોઝ ફાળવવામાં આવશે જિલ્લાના મનપા વિસ્તારના ગાંધીનગર સિવિલ હોસ્પિટલના 2100, સેક્ટર-2 અર્બનહેલ્થ સેન્ટરના 70, સેક્ટર-29 અર્બન હેલ્થ સેન્ટરના 60 સહિત કુલ 586 આરોગ્ય કર્મચારીઓને વેક્સિન અપાશે. જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પ્રાંતિયાના 100, છાલાના 32, અપોલોના 100, રખિયાલના 29, પાલુન્દ્રાના 84, ડિંગુચાના 25, મોખાસણના 70, માણસાના 66, પુંધરાના 80 સહિત કુલ 2230 આરોગ્ય કર્મચારીઓને કોવીશિલ્ડ વેક્સિન આપવામાં આવશે. કુલ 12 સેન્ટરોના કુલ 2816 આરોગ્યકર્મીને રસી અપાશે
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર માટે 14500 અને મનપા વિસ્તાર માટે 4500 કોવિશિલ્ડ વેક્સિનનો ડોઝ ફાળવવામાં આવ્યો છે. જેમાંથી મનપા વિસ્તારના ડોઝને અર્બન હેલ્થ સેન્ટર સેક્ટર-2 ખાતે રાખવામાં આવ્યો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તાર માટેનો 14500નો કોવીશિલ્ડનો ડોઝ જિલ્લા પંચાયતના રિજયોનલ સ્ટોરમાં રાખવામાં આવ્યો છે.