
‘દોષીઓને છોડાશે નહીં’, પહેલગામ આતંકી હુમલા પર PM મોદીનું સાઉદી અરેબિયામાંથી મોટું નિવેદન
પ્રધાનમંત્રી મોદીએ સાઉદી અરેબિયામાંથી પહેલગામ આતંકી હુમલાની કડક શબ્દોમાં ટીકા કરીને ‘દોષીઓને છોડાશે નહીં’ તેવું મોટું નિવેદન આપ્યું હતું.
જમ્મુ કાશ્મીરના અનંતગામ જિલ્લામાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા પર પ્રધાનમંત્રી મોદીએ સાઉદી અરેબિયામાંથી મોટું નિવેદન આપ્યું હતું. પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે “હું જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય. પીડિતોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને કોઈ પણ સંજોગોમાં છોડાશે નહીં. તેમનો દુષ્ટ એજન્ડા ક્યારેય સફળ થશે નહીં. આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે. પીએમ મોદીએ પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી.
પીએમ મોદીએ ફોન પર અમિત શાહ સાથે વાત કરી
હાલમાં પીએમ મોદી સાઉદી અરેબિયાના પ્રવાસે છે અને તેમને પહેલગામ હુમલાની જેવી ખબર પડી કે તરત તેમણે અમિત શાહને ફોન કરીને તાબડતોબ જમ્મુ કાશ્મીર જવાનો નિર્દેશ આપ્યો હતો જે પછી શાહ જમ્મુ કાશ્મીર જવા રવાના થયા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના બૈસરન ઘાટીમાં બની હતી, જેમાં 8 લોકો ઘાયલ થયા છે. તેમાંના કેટલાક સ્થાનિક પણ છે, જોકે સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ઘાયલોની સંખ્યા 12 છે. ઘાયલોમાં 3 ગુજરાતી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભાવનગરના વિનોદ ભટ્ટ, માનિક પટેલ, રીનો પાંડે ઈજાગ્રસ્તોમાં સામેલ છે. મૃતકોની સંખ્યામાં પણ વધારો થવાની શક્યતા છે.