
ગુજરાતના 50 IAS અધિકારીની બદલી:અમદાવાદ DDOને ગાંધીનગરના કલેક્ટર બનાવાયા, ગૃહ વિભાગના સરકારના સંયુક્ત સચિવની દાહોદ બદલી કરાઈ
ગુજરાતના વિવિધ જિલ્લાના IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 50 જેટલા અધિકારીઓની બદલી થઈ છે. જેમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી એમ.કે. દવેની ગાંધીનગરના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. મોરબીના કલેક્ટર જી.ટી. પંડ્યાની દેવભૂમિ-દ્વારકાના કલેક્ટર તરીકે બદલી કરાઈ છે. જામનગરના કલેક્ટર બી.એ. શાહની બદલી વડોદરાના કલેક્ટર તરીકે કરાઇ છે. નવસારીના કલેક્ટર અમિત પ્રકાશ યાદવને ખેડા-નડિયાદમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ગાંધીનગર ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ.ના મેનેજિંગ ડિરેક્ટર ડો. સૌરભ ઝમસિંહ પારધીને સુરતના કલેક્ટર બનાવવામાં આવ્યા છે.
AMCના ડે.મ્યુનિ.કમિશનરની મહીસાગર બદલી
IAS આ ઉપરાંત રાજકોટ મનપાના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર અનિલ ટી. ધામેલીયાની છોટાઉદેપુરના કલેકટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગર સચિવાલયના ગૃહ વિભાગના સરકારના સંયુક્ત સચિવ યોગેશ બબનરાવ નિરગુડેની દાહોદના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદના અધિક કમિશનર ઓફ સ્ટેટ ટેક્સના કિરણ બી. ઝવેરીની મોરબીના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નેહા કુમારીની મહીસાગર-લુણાવાડાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે.



