કીર્તિ પટેલ : સોશિયલ મીડિયા એન્ફ્લૂએન્સર કીર્તિ પટેલની ધરપકડ,10 મહિનાથી સતત લોકેશન બદલી ભાગતી હતી

એક વર્ષ પહેલાં સોશિયલ મીડિયા અને ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વિવાદમાં આવી હતી. એમાં બિલ્ડર પાસે બે કરોડની ખંડણી માગી અને સો.મીડિયામાં બદનામ કરવા કાવતરાની તેની સામે ફરિયાદ થઇ હતી. જૂન 2024માં કીર્તિ પટેલ સહિત 7 લોકો સામે ફરિયાદ દાખલ થઈ હતી. છેલ્લા 10 મહિનાથી નાસતીફરતી કીર્તિ ને પોલીસે અમદાવાદથી ઝડપી લીધી છે.
સોશિયલ મીડિયા પર ગાળો ભાંડવા માટે કુખ્યાત એવી કીર્તિ પોલીસથી બચવા ગુજરાતનાં અલગ અલગ સ્થળો પર જતી હતી અને ફોનનું આઇપી એડ્રેસ પણ ચેન્જ કર્યા કરતી હતી. આ સાથે ફોન સ્વિચ ઓફ અને સ્વિચ ઓન કર્યા કરતી હતી. કીર્તિ વિરુદ્ધ મારામારી, હનીટ્રેપ, ખંડણી, લેન્ડ ગ્રેબિંગ સહિતના ગુના નોંધાયેલા છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે કીર્તિ ને પોલીસ લઈને આવતી હતી ત્યારે પણ તે નફ્ફટ થઈ હસતી હતી અને ધરપકડ બાદ પણ તેના તેવર ઓછા ન થયા હોય એવું લાગી રહ્યું હતું. આ સાથે જ વીડિયો ટકાટક બનાવજો અને આખા ગુજરાતમાં ફેલાવજો એવું પણ તે પોલીસની ગાડીમાં બેસતાં બેસતાં બોલી રહી હતી અને સતત હસતી રહી હતી.

કીર્તિ પટેલ અને વિજય સવાણી સામે ફરિયાદ કરનાર વજુ કાત્રોડિયા અને વિજય સવાણીનો અગાઉ એક પ્રોપર્ટીની લેતીદેતી મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આ કેસ 2024માં બોર્ડ પર આવવાનો હોવાથી વિજય સવાણી અને તેના સાગરીતો સાથે મળીને વજુ કાત્રોડિયા પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા ઈચ્છતો હતો. એટલા માટે જ વિજય સવાણીએ કીર્તિ પટેલ અને તેના સાગરીતો સાથે મળીને સોશિયલ મીડિયા પર વજુ કાત્રોડિયાને બદનામ કરવાનાં કાવતરાં કર્યાં હતાં.
વજુ કાત્રોડિયાના ફોટા સાથે કીર્તિ અને વિજય સવાણીએ રીલ્સ અપલોડ કરી હતી. આ ઉપરાંત કીર્તિ દ્વારા ફરિયાદી અને તેના પરિવારને સોશિયલ મીડિયામાં લાઈવ થઈ અપશબ્દો બોલીને બદનામ કરવામાં આવતા હતા. આ ઉપરાંત મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હતી. કીર્તિ પટેલ તેમજ અન્ય સાગરીતો દ્વારા યેન કેન પ્રકારેણ માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. બિલ્ડર પાસેથી રૂપિયા બે કરોડ સુધીની ખંડણી પણ માગવામાં આવી હોવાનું નોંધવામાં આવ્યું હતું. કીર્તિ તેમજ અન્ય આરોપીઓ દ્વારા જે કામ કરવામાં આવ્યું છે એને લઈને ફરિયાદીએ વિગતવાર માહિતી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આપી હતી.
આ કેસમાં ફરિયાદી વજુ કાત્રોડિયાને સમાધાન કરવા માટે કોસમાડી પાટિયા ખાતે આવેલા સિલ્વર ફાર્મમાં મળવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ ફાર્મમાં જાનવી ઉર્ફે મનીષા ગોસ્વામી, ઝાકીર, કીર્તિ અને વિજય સવાણીએ ફરિયાદી વજુ કાત્રોડિયાને કોઈ ઠંડા પીણામાં નશીલો પદાર્થ પીવડાવી તેના ફોટા અને વીડિયો બનાવી ફરિયાદીને બ્લેકમેલ કરી સમાધાન માટે બે કરોડ રૂપિયાની માગણી કરી હતી. જો પૈસા નહીં આપે તો ફોટા અને વીડિયો ઇન્સ્ટાગ્રામ તેમજ અલગ અલગ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી ફરિયાદીને બદનામ કરવાની ધમકી આપી હતી.
વજુ કાત્રોડિયાએ પૈસા ન આપતાં અલગ અલગ સોશિયલ મીડિયાનાં માધ્યમોથી વિજય સવાણીએ તેમજ કીર્તિ પટેલે બિલ્ડર વજુની દીકરીઓ સાથે બળાત્કારના તેમજ તેની પત્નીના ફોટા ક્યાંકથી મેળવીને અલગ અલગ લખાણની સ્ટોરીઓ મૂકી ખોટા કેસમાં ફરિયાદીને ફસાવવાની ધમકી આપી હતી, તેથી આ સમગ્ર મામલે વજુ કાત્રોડિયા દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતાં 2024માં કાપોદ્રા પોલીસે વિજય સવાણીની ધરપકડ કરી હતી અને કીર્તિ પટેલ સહિત અન્ય ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
આલોક કુમાર (ડીસીપી)એ જણાવ્યું હતું કે બે જૂન 2024ના રોજ ખંડણી સહિતનો ગુનો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સહિત પાંચથી વધુ સામે નોંધાયો હતો. છેલ્લા 10 મહિનાથી ભાગતીફરતી હતી. પોલીલથી બચવા માટે તે ફોનના આઇપી એડ્રેસ પણ ચેન્જ કર્યા કરતી હતી અને ગુજરાતમાં અલગ અલગ લોકેશન પણ બદલ્યા કરતી હતી. આ સાથે જ ફોનનંબર પણ તે ચેન્જ કર્યા કરતી હતી. ઈન્સ્ટાગ્રામમાં તે વધુ સક્રિય રહેતી હતી. ફોનનંબર બદલતી હોવા છતાં પણ ફોન એક જ રાખતી હતી. આ સાથે જ ફોન ઓન-ઓફ સતત કર્યા કરતી હતી.
‘આ સાથે જ કોર્ટમાંથી તેના વિરુદ્ધ વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. દરમિયાન હ્યુમન રિસોર્સ અને ટેક્નિકલી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પોલીસને તેનું લોકેશન અમદાવાદના સરખેજ ખાતે મળ્યું હતું, જેથી સુરત ઝોન વન એલસીબી કાપોદ્રા પોલીસ અને સરખેજની સ્થાનિક પોલીસની મદદથી કીર્તિ પટેલને અમદાવાદના સરખેજ ખાતેથી પકડી પાડવામાં આવી હતી. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કીર્તિ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તેના વિરુદ્ધ મારામારી, ખંડણી, લેન્ડગ્રેબિંગ સહિતના ગુનાઓ નોંધાયેલા છે. સુરતમાં એક વૃદ્ધ દંપતીની જમીન હડપ કરવાનો કારસો રચ્યો હતો, જે અંગે તેનું નિવેદન નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોન વન વિસ્તારનાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધ અરજીઓ પણ છે. આ સાથે જ પોલીસ અપીલ પણ કરી રહી છે કે જો કોઈ આ વ્યક્તિઓનું ભોગ બન્યું હોય તો પોલીસનો સંપર્ક કરે અને પોલીસ કડક કાર્યવાહી હાથ ધરશે.