કચ્છમાં પ્રવાસન વિકાસ અંગેના વડાપ્રધાનશ્રીના વિઝનથી સફેદ રણ ધોરડોને મળ્યો છે ‘વર્લ્ડ બેસ્ટ ટૂરિઝમ વિલેજ’નો એવોર્ડ

કચ્છમાં પ્રવાસન વિકાસ અંગેના વડાપ્રધાનશ્રીના વિઝનથી સફેદ રણ ધોરડોને મળ્યો છે ‘વર્લ્ડ બેસ્ટ ટૂરિઝમ વિલેજ’નો એવોર્ડ

UNWTO દ્વારા ધોરડોને વિશ્વના શ્રેષ્ઠ ટૂરિઝમ વિલેજ એવોર્ડ પ્રાપ્ત થતા કચ્છના પ્રવાસનને મળશે વેગ 

દેશમાંથી એકમાત્ર ધોરડોને ‘બેસ્ટ ટૂરિઝમ વિલેજ’નો એવોર્ડ થયો છે એનાયત

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને કારણે કચ્છ-ગુજરાતને પ્રવાસનક્ષેત્રે મળી છે આગવી ઓળખ

વડાપ્રધાનશ્રીના વિઝનથી રણોત્સવનો પ્રારંભ, માળખાકીય સુવિધાઓનું નિર્માણ જેવા પ્રવાસનલક્ષી નિર્ણયોથી આજે કચ્છ બન્યું છે ટૂરિઝમનું હબ

ગુજરાત સરકાર દ્વારા તા. ૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીથી શરૂ કરીને ૨૩ વર્ષના સફળ અને સક્ષમ નેતૃત્વમાં કરેલા વિકાસને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ‘વિકાસ સપ્તાહ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનશ્રીના વિકાસના વિઝનનો સૌથી વધુ લાભ કચ્છ જિલ્લાને મળ્યો છે. આજે કચ્છ જિલ્લો પ્રવાસન અને ઔદ્યોગિક હબ બનીને ઊભરી આવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કચ્છમાં શરૂ કરાવેલો રણોત્સવ ધોરડો અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક-પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બન્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ વર્ષ ૨૦૦૬થી ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ કરીને તેને વિશ્વફલક પર પ્રસ્થાપિત કર્યું હતું. આજે ‘ધોરડો’ પ્રવાસનની વૈશ્વિક ઓળખ બન્યું છે. આ ઓળખના પરિણામ સ્વરૂપે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટૂરિઝમ દ્વારા ‘વર્લ્ડ બેસ્ટ ટૂરિઝમ વિલેજ’નો એવોર્ડ કચ્છના ધોરડો ગામને એનાયત કરવામાં આવ્યો છે.

 વિશ્વમાં પ્રવાસનના તોરણ કચ્છનાં સફેદ રણનું ધોરડોને ‘વર્લ્ડ બેસ્ટ ટૂરિઝમ વિલેજ’ એવોર્ડથી ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક સીમાચિહ્ન અંકિત થયું છે. ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે તા. ૧૯ ઓક્ટોબરના રોજ UNWTOના ઉપક્રમે યોજાયેલી ‘બેસ્ટ ટૂરિઝમ વિલેજ-૨૦૨૩’ એવોર્ડ કાર્યક્રમ દરમિયાન ભારતમાંથી એકમાત્ર ધોરડોને ‘બેસ્ટ ટૂરિઝમ વિલેજ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. UNWTO વૈશ્વિક સ્તરે પ્રવાસન ઉદ્યોગ અને સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટને પ્રમોટ કરે છે. આ સન્માન એવા ગામોને આપવામાં આવે છે જે ગ્રામીણ વિસ્તારોના વિકાસ અને લેન્ડસ્કેપ્સ, સાંસ્કૃતિક વિવિધતા, સ્થાનિક મૂલ્યો અને ખાદ્ય પરંપરાઓના જાળવણીમાં અગ્રેસર છે.

 ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે ત્યારે વડાપ્રધાનશ્રીના વિઝનથી કચ્છ જિલ્લો આજે ટૂરિઝમ હબ બનીને ઊભરી આવ્યો છે. કચ્છના ધોરડોને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનું ગૌરવ સન્માન મળ્યું તેની પ્રસન્નતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વ્યક્ત કરી હતી. વડાપ્રધાનશ્રીએ અનેક વખત જાહેરમંચ અને મીડિયા-સોશિયલ મીડિયાના માધ્યમથી કચ્છના સફેદ રણ અને સ્મૃતિવન નિહાળવા સૌ દેશવાસીઓને અનુરોધ કર્યો છે. 

 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કચ્છનું ધોરડો માત્ર પ્રવાસન જ નહી પણ રાષ્ટ્રીય સ્તરે વહીવટી તંત્ર માટે તાલીમનું કેન્દ્ર પણ બન્યું છે. ધોરડોમાં રણોત્સવ ઉપરાંત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એડમિનિસ્ટ્રેશન એકેડમી-LBSNAAના ઓફિસરોની તાલીમ, G-20ની પ્રવાસન બેઠક, વિવિધ ચિંતન શિબિર, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, ઓલ ઇન્ડિયા મિનિસ્ટર્સ કોન્ફરન્સ, ઓલ ઇન્ડિયા DG/IG સમિટ તેમજ વિવિધ શીર્ષ મહાનુભાવોની મુલાકાત સહિત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ધોરડો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ધોરડોના રણોત્સવમાં વર્ષ ૨૦૨૨-૨૩માં અંદાજે ૨.૪૨ લાખથી વધુ પ્રવાસીઓ સહભાગી થયા હતા. જેના પરિણામે સ્થાનિકોને રોજગારી આપવામાં ધોરડો મહત્વનું પ્રવાસન કેન્દ્ર સાબિત થયું છે. 

 ગુજરાત સરકારે ધોરડોને વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે સ્થાપિત કરવા માટે સતત કાર્ય કર્યું છે. રાજ્ય સરકાર દર વર્ષે અહીં રણોત્સવનું પણ આયોજન કરે છે જે ૪ મહિના સુધી ચાલે છે. રણોત્સવ એ ભારત અને વિદેશના પ્રવાસીઓમાં ખૂબ જ પ્રિય ઉત્સવ છે, જ્યાં વિશ્વભરના લોકો ધોરડો અને તેની આસપાસના કુદરતી સૌંદર્યને વર્ષ ૨૦૦૬થી રેકોર્ડ સ્તરે માણવા આવે છે. વિશાળ ટેન્ટ સિટી, સફેદ રણ સફારી, સ્ટાર ગેઝિંગ, કચ્છી સંસ્કૃતિને દર્શાવતા ભૂંગાઓ અને હોમ સ્ટે અને હેન્ડિક્રાફ્ટ બજાર સહિતના પ્રકલ્પો રણ ઉત્સવ દરમિયાન ઊભા કરવામાં આવે છે. 

 રાજ્ય સરકારે ધોરડો ગ્રામ પંચાયતના નેજા હેઠળ પ્રવાસન સમિતિ બનાવીને ‘ગેટ વે ટુ રણ રિસોર્ટ’ બનાવ્યો છે. અહીંના સ્થાનિક યુવાનોને હોટલ મેનેજમેન્ટની તાલીમ આપવામાં આવી રહી છે. કચ્છની ઓળખ એવા ભૂંગાઓ, આધુનિક કોન્ફરન્સ હોલ વગેરેના નિર્માણમાં રાજ્ય સરકારે ગ્રામ પંચાયતને આર્થિક મદદ પણ કરી છે. આમ કચ્છમાં પ્રવાસન વધે, સ્થાનિક લોકોને રોજગારી મળે અને આ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થાય તે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *