એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે વાતચીત કરી

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં અફરાતફરી સર્જાઈ છે. વિમાનમાં કુલ 242 મુસાફરો હતા. પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે વાતચીત કરી છે. આ દુર્ઘટનામાં 50થી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. ઘટના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને બચાવ કામગીરી અને દુર્ઘટના અંગે જાણકારી આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર લખ્યું હતું કે, ‘અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન તુટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના અધિકારીઓને આપી છે. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હોસ્પિટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મારી સાથે વાતચીત કરીને આ પ્લેન દુર્ઘટનામાં બચાવ–રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.’
પ્રાપ્ત માહિતી અનુસાર, એર ઇન્ડિયાની આ ફ્લાઈટ બપોરે 1:38 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેકઓફ કરી હતી. ટેકઓફના માત્ર બે જ મિનિટના ટૂંકા ગાળામાં, આંખના પલકારામાં, વિમાન નો પાછળનો ભાગ એક વૃક્ષ સાથે અથડાયો હતો. આ ટક્કર બાદ પ્લેન પરનો નિયંત્રણ ગુમાવતા તે નજીકની એક બિલ્ડિંગ સાથે અથડાઈને ક્રેશ થયું હતું. આ પ્લેનમાં કુલ 242 મુસાફરો સવાર હતા. આ ઘટનાને પગલે એરપોર્ટ અને સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ છે.