
આણંદમાં હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહનની ટક્કરે ત્રણના મોત
આણંદના આંકલાવના બામણગામ નજીક ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ છે. અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર 3 યુવાનનોના ઘટના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, આંકલાવના બામણગામ રોડ પર આવેલા અંબાકુઈ નજીક મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 યુવાનોના મોત થયા હતા. મૃતક યુવાનો પાદરાના મુજપુર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના
ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં સતત હિટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા શહેરમાં 3 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. લોકો હજુ વડોદરાના રક્ષિત ચોરાસિયા કેસને ભૂલ્યા નથી. ત્યાં તો એક પછી એક હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે. મંગળવારે સવારે વડોદરાના વાઘોડિયા ચાર રસ્તા બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ટેમ્પો ચાલકે વિદ્યાર્થીને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.