અમદાવાદ ચંડોળા તળાવના ડિમોલિશન પર સ્ટેની અરજી હાઈકોર્ટે નકારી

અમદાવાદ ચંડોળા તળાવના ડિમોલિશન પર સ્ટેની અરજી હાઈકોર્ટે નકારી:સરકારની રજૂઆત-ચાર બાંગ્લાદેશીની અલ કાયદા સાથે સંડોવણી, અરજદારના વકીલે કહ્યું-15 દિવસની નોટિસ આપવી જોઇએ

અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા ખાતે થઈ છે. ત્યારે આ મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો હતો. જ્યાં અરજદારોએ કહ્યું કાનૂની નીતિ-નિયમો વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે. અહીં રહેતા લોકો બાંગ્લાદેશી હોવાનું પુરવાર થયું નથી. પોલીસ અને વહીવટી તંત્ર મનમાની કરી શકે નહીં. અહીં રહેતા લોકો ગેરકાયદે વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે. ઘર તોડતા અગાઉ કોઈ નોટિસ અપાઈ નથી. પુનર્વસનની પણ કોઈ વાત નથી. આ મામલે કરતા હાઇકોર્ટે આ અરજી નકારી કાઢી ડિમોલિશનને લીલી ઝંડી આપી દીધી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ ખાતે ચંડોળા તળાવ ડીમોલિશન કામગીરી અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરશે.

અરજદારના એડવોકેટ આનંદ યાજ્ઞિકે જણાવ્યું કે, 18 ભારતીયોએ ડિમોલિશન સ્ટે માટે અરજી કરી હતી. હાઇકોર્ટે સ્ટે આપવાની મનાઈ કરી હતી. જો કે તેમના પુનર્વસન માટે આગામી સમયમાં અરજી કરી શકે છે. જો ગેરકાયદેસર રીતે રહેતા હોય તો પણ 15 દિવસની નોટિસ આપવી જોઈએ. બાંગ્લાદેશી છે કે નહીં તે નક્કી કરવાની બાબત પોલીસની નથી. અરજદારો 50 વર્ષથી અહીં રહે છે. પહેલગામ હુમલા બાદ જ કેમ કાર્યવાહી કરાઈ? પોલીસે પકડેલા મોટાભાગના લોકો બાંગ્લાદેશી નહીં ભારતીય નીકળ્યા છે. પોલીસ બાંગ્લાદેશી હોવાનું સ્વીકારવા માટે શોક આપવા જેવા કાર્યો કરે છે.

જેની સામે સરકારે રજૂઆત કરી કે, ડ્રગ્સ, પ્રોસ્ટિટ્યૂશન, અને આતંકી સંગઠનો સાથેની સંડોવણી સામે આવી છે. આ નેશનલ સિક્યુરિટી માટે થ્રેટ છે. બાળકોને પ્રોસ્ટિટ્યૂશનમાં ધકેલવામાં આવી રહ્યાં છે. ચાર બાંગ્લાદેશીઓની અલ કાયદા સાથેની સંડોવણી બહાર આવી છે, જેની ધરપકડ કરાઈ છે. પરંતુ રાષ્ટ્રીય સિક્યુરિટીને જોતા તેની સંપૂર્ણ માહિતી સરકારે આપી નથી. ડ્રગ્સ, ખોટા કાગળિયા બનાવવા, મની લોન્ડ્રિંગ જેવા ગુન્હાઓ પણ ચંડોળા તળાવમાં થતા હતા.

શાહઆલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે. આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદે બાંધકામો ખડકી દેવાયા છે. હવે આ બાંધકામોને ધ્વસ્ત કરવાની કામગીરી શરૂ કરાઈ છે. 50 જેસીબી મશીન સાથે AMCની ટીમ પણ હથોડાથી બાંધકામો તોડી રહી છે. મોડીરાતથી જ ચંડોળા તળાવ પાસે બુલડોઝરો અને ટ્રકોને ગોઠવી દેવામાં આવ્યાં હતાં. વહેલી સવારે 5ઃ30થી ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહતને તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સ્થળ પર ગોઠવી દેવાયો હતો.

વધુ સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *