અબડાસા સરપંચ સંગઠન દ્વારા આવેદનપત્ર, 7 દિવસમાં સમસ્યાઓનું સમાધાન નહીં થાય તો 31 જુલાઈએ તાલુકા પંચાયત કચેરી આગળ ધરણા કરશે

અબડાસા સરપંચ સંગઠન દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સરપંચોએ વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરી છે. એસબીએમ શાખામાં 51 વિવિધ કામોના બિલો છેલ્લા 12થી 24 મહિનાથી બાકી છે. પીએમ આવાસ યોજનાનો પ્રથમ હપ્તો મળ્યો નથી. જેમ આઈડીની પ્રોસેસ થઈ છે પરંતુ સરપંચોને આઈડી-પાસવર્ડ મળ્યા નથી.

પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને વર્ગખંડોની ઘટ છે. પીએમ આવાસ યોજનામાં તલાટી દ્વારા અધૂરો સર્વે કરાયો છે. એસઓની કાયમી નિમણૂક થઈ નથી. સમરસ પંચાયતોને હજુ સુધી ગ્રાન્ટ ફાળવાઈ નથી. તલાટીઓ નિયમિત પંચાયતમાં આવતા નથી અને હેડક્વાર્ટર પર રહેતા નથી. તાલુકા પંચાયતમાં નિયમિત સ્ટાફ ન હોવાથી અરજદારોને મુશ્કેલી પડે છે. જિલ્લા પંચાયતમાં પ્રી-ઓડિટ પછી બિલો પાસ થતાં વધુ સમય લાગે છે.
સરપંચ સંગઠનના પ્રમુખ પરેશસિંહ જાડેજાએ જણાવ્યું કે જો 7 દિવસમાં સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો 31 જુલાઈ 2025ના રોજ તાલુકા પંચાયત કચેરીએ ધરણા કરવામાં આવશે. આ દરમિયાન થનાર નુકસાનની જવાબદારી તંત્રની રહેશે. આવેદનપત્ર આપવા સંગઠનના ઉપપ્રમુખ સજનસિંહ જાડેજા, મહામંત્રી વિનેકભાઈ ડાભી, મહેન્દ્રસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં સરપંચો હાજર રહ્યા હતા.