
વિશ્વ આરોગ્ય સંગઠને સલાહ આપી છે કે, હેલ્ધી બાળકો અને કિશોરોને કોવિડ 19 વેક્સિનેશનની જરૂર નથી.
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) કોવિડ રસીની ગાઈડલાઇનમાં સુધારો કર્યો છે. તેણે સૂચવ્યું કે, તંદુરસ્ત બાળકો અને કિશોરોને કોવિડ 19 રસીકરણની જરૂર નથી. મંગળવારે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં WHOએ સ્વસ્થ કિશોરો માટે કોવિડ રસીકરણને ઓછી પ્રાથમિકતા ગણાવી છે. WHO માટાપાની દવાઓને તેની આવશ્યક દવાઓની યાદીમાં સામેલ કરવા પર વિચાર કરી રહ્યું છે. WHOએ વિશ્વભરના દેશોને રસીકરણની ભલામણ કરતા પહેલા એક બાબતની હકીકતને ધ્યાનમાં લેવાની અપીલ કરી છે કે, કિશોરોને કોવિડની ગંભીર રીતે બીમાર થવાની શક્યતા ઓછી છે.
કોવિડ વેક્સિન સલામત
WHOએ કહ્યું છે કે, કોવિડની રસી અને બૂસ્ટર ડોઝ તમામ લોકો માટે સુરક્ષિત છે. સ્વસ્થ બાળકો અને કિશોરો જેવા ઓછા જોખમી પરિબળો ધરાવતા લોકો માટે રસીકરણ ચાલુ રાખવું કે કેમ તે નક્કી કરવા દેશોએ વિચારવું જોઈએ. મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોગ્રાફિક રિસર્ચમાં કોરોનાથી થવાવાળી 4.4 મિલિયન મોતના અંદાજ મુજબ 0.4 ટકા (17,400થી ઓછા) મૃત્યુ 20 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના હતા. અમેરિકામાં કોવિડથી ચાર વર્ષથી ઓછી ઉંમરના 735 બાળકોના મોત થયા છે. 5થી 11 અને 12-15 વર્ષની વયજૂથમાં લગભગ 500 બાળકો મૃત્યુ પામ્યા હતા. કોવિડને કારણે 16થી 17 વર્ષના લગભગ 365 કિશોરોના મોત થયા છે.
વેક્સિનેશન પર ભાર
વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ મહામારી દરમિયાન ચૂકી ગયેલી રૂટિન રસીકરણ પર ભાર મૂક્યો હતો. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ નવેમ્બરમાં અહેવાલ આપ્યો હતો કે, 2021માં, લગભગ 40 મિલિયન બાળકોને ઓરીની રસી મળી નથી. તમને જણાવી દઈએ કે, કોરોના મહામારી બાદમાં રસીકરણના જોખમમાં ઝડપથી ઘટાડો જોવા મળી રહ્યો છે.