સાબરમતી માં જ્યોતિષીએ યુવતીને એકલી બોલાવી વિધિના બહાને દાગીના પડાવી લીધા

અમદાવાદમાં બ્રેકઅપ બાદ પ્રેમીને ફરી મેળવવા યુવતી જ્યોતિષીના રવાડે ચડી ગયા બાદ જ્યોતિષીએ યુવતીને એકલી બોલાવી વિધિના બહાને દાગીના પડાવી લીધા હતા.

આ દરમ્યાન એકાદ મહિના પહેલાં ઈન્સ્ટાગ્રામ ઉપર જ્યોતિષી રાણાભાઇની સાથે પરિચય થયો હતો. જ્યોતિષી એ તેનો મોબાઇલ નંબર આપી શાસ્ત્રીનગર રહેતો હોવાનું જણાવી જ્યોતિષમાં તે જાણકાર હોવાનું કહી વાતચીત આગળ ચલાવી હતી. આરતીએ જ્યોતિષીને જણાવ્યું કે મારે એક યુવક સાથે સંબંધ હતો અને તેને હું ખૂબ જ પ્રેમ કરતી હતી પરંતુ કોઇ કારણોસર બ્રેકઅપ થઇ ગયું છે. જોકે મારે તેની સાથે સંબંધ રાખવો છે આમ કહેતાં જ્યોતિષીએ આરતીને કહ્યું હતું કે બધું સારું થઇ જશે પરંતુ વિધિ કરવી પડશે.

ઈન્સ્ટાગ્રામ ઉપર જ્યોતિષી રાણાભાઇની સાથે પરિચય થયો

વિશ્વાસમાં લઇ આરતી પાસેથી સોનાનું બ્રેસલેટ, લકી પડાવી લીધા
રાણાભાઇ જ્યોતિષીએ આરતી સાથે વાતચીત કરીને તેને વિશ્વાસ અપાવ્યો હતો. આરતીની સમસ્યા જાણ્યા બાદ જ્યોતિષીએ કહ્યું હતું કે તમારે બધું સારું કરવું હોય તો સોનાની વસ્તુમાં વિધિ કરવી પડશે. પોતાનો પ્રેમ પામવા માટે યુવતી જ્યોતિષીની વાતોમાં આવી ગઈ અને વિધિ કરાવવા માટે તૈયાર થઈ ગઈ હતી. રાણાભાઇએ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનની સામે ફોન કરી આરતીને બોલાવી હતી. આરતી ત્યાં એકલી ગઈ હતી અને ત્યાં રાણાભાઇ જ્યોતિષીને મળી હતી. રાણાભાઈએ વિધિ બાબતે વાતચીત કરી વિશ્વાસમાં લઇ આરતી પાસેથી સોનાનું બ્રેસલેટ, લકી તથા સોનાની ચેઈન મળીને ૮૦ હજાર રૂપિયાના દાગીના લઈને એક કલાકની વિધિ પૂર્ણ કરી પરત દાગીના આપી દઇશ તેમ કહીને જતા રહ્યા હતા.

એકાદ કલાકમાં વિધિ પૂર્ણ કરી આવું તેમ કહી જ્યોતિષી રફુચક્કર

એકાદ કલાકમાં વિધિ પૂર્ણ કરી આરતીના દાગીના પરત આપવાની વાત જ્યોતિષીએ કરી હતી, પરંતુ જ્યોતિષી પરત ન આવતાં આરતીએ ફોન કર્યો હતો, પરંતુ તેમણે હાલમાં વિધિ ચાલુ છે, વિધિ પૂર્ણ થશે ત્યારે તમારા દાગીના પરત આપી દઈશ તેમ કહી જુદા જુદા બહાનાં બતાવી સોનાના દાગીના પરત આપ્યા નહોતા. અંતમાં આરતીને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું ખબર પડતાં આ મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

અગાઉ પણ ઢોંગી-ધુતારા તાંત્રિકોએ મહિલાઓને છેતરી છે
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ક્યારેય ઢોંગી-ધુતારા તાંત્રિકોએ મહિલાઓને વિધિના બહાને પોતાની પાસે બોલાવી તેમની સાથે દુષ્કર્મ કર્યું હોવાના કિસ્સા ભૂતકાળમાં આવી ચૂક્યા છે. આજના ડિજિટલ યુગમાં પણ અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિની જાળમાં ફસાયેલો સમાજ પોતાનું સર્વસ્વ ગુમાવે છે તેવા અનેક કિસ્સા પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. ઘણા કિસ્સામાં હવસખોરો મંત્ર-તંત્રની જાળમાં ભલાભોળા લોકોને ફસાવી રહ્યા હોવાના કિસ્સા પણ સામે આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *