સુરત વરાછામાં 50 લાખના દેવાના કારણે દત્તક પુત્રે માતાની હત્યા કરી આપઘાત કર્યો, સુસાઇડ નોટથી ચોંકાવનારા ખુલાસા

સુરત વરાછામાં 50 લાખના દેવાના કારણે દત્તક પુત્રે માતાની હત્યા કરી આપઘાત કર્યો, સુસાઇડ નોટથી ચોંકાવનારા ખુલાસા

સુરતના વરાછા વિસ્તારમાં શુક્રવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એલ.એચ. રોડ પર આવેલી રૂપમ સોસાયટીમાં રહેતા 36 વર્ષીય જતીન સોનાણીએ શેરબજારમાં થયેલા ભારે નુકસાન અને અંદાજે 40થી 50 લાખ રૂપિયાના દેવાના બોજ હેઠળ પોતાની દત્તક માતાની હત્યા કર્યા બાદ પોતે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

માહિતી મુજબ, શુક્રવારે બપોર સુધી ઘરનો દરવાજો ન ખુલતાં પડોશીઓને શંકા ગઈ હતી. બારીમાંથી અંદર નજર કરતાં માતા અને પુત્રના મૃતદેહ દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે જતીન સોનાણીએ પહેલા પોતાની માતા ભાનુબેનનું ગળું દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ તેણે પંખાના હૂક સાથે દોરી બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સ્મીમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ભાનુબેનનું મૃત્યુ ગળે ટૂંપો આપવાથી થયું હોવાનું સ્પષ્ટ થયું છે.

પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. તેમાં જતીને લખ્યું હતું કે, “મારે ઘણું દેવું થઈ ગયું છે, મમ્મીને કહી શકું તેમ નથી.” તેણે પરિવારજનો પાસે માફી પણ માંગી હતી. ઉપરાંત કોની પાસેથી રૂપિયા લેવાના છે અને કોને ચૂકવવાના છે તેની વિગતવાર નોંધ પણ સુસાઇડ નોટમાં મળી આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.

તપાસ દરમિયાન વધુ એક ભાવુક વિગતો સામે આવી છે. જતીન મૂળ તેના નાના કાકાનો પુત્ર હતો, જેને માત્ર છ મહિનાની ઉંમરે ભાનુબેને દત્તક લીધો હતો અને સગા દીકરાની જેમ ઉછેરી મોટો કર્યો હતો. પરંતુ આર્થિક સંકટ વચ્ચે જતીને પોતાની જ માતાનો જીવ લઈ લીધો હોવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પોલીસે જતીન સોનાણી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ શેરબજારના વ્યવહારો, દેવાના સ્ત્રોત અને સુસાઇડ નોટના આધારે પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *