
ભાનુશાલી મહાજન માંડવી દ્વારા ત્રિવેણી ઉત્સવની ભવ્ય ઉજવણી
માંડવી ખાતે ભાનુશાલી મહાજન અને ભાનુશાલી યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે વિઠ્ઠલવાડી સ્થિત મધ્ય એસી હોલમાં 137મી ઓધવરામ જયંતિ, 30મું સરસ્વતી સન્માન અને રામનવમીના પાવન અવસરની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો આરંભ દ્વારાના સંત શ્રી કરસનદાસજી, મહાજન અગ્રણી તથા દાતા પરિવારના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો.
આ અવસરે ભાનુશાલી મહિલા મંડળ દ્વારા સ્વાગત ગીત તેમજ રામચરિત્ર આધારિત મંત્રમુગ્ધ કરી દેનાર નાટક રજૂ કરવામાં આવ્યું હતું. 30મા સરસ્વતી સન્માન અંતર્ગત જ્ઞાતિના વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર અંદાજે 100 થી 120 વિદ્યાર્થીઓને ઇનામ અને ચાંદીના મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા. આ સન્માનના મુખ્ય દાતા સ્વ. મણીબેન ધનસુખલાલ દામાણી પરિવાર તરફથી નિકુંજભાઈ અને કનૈયાભાઈ રહ્યા હતા.

બાલમંદિરના વિદ્યાર્થીઓને સ્વ. પરસોતમ મેઘજી નંદા પરિવાર તરફથી રુક્ષ્મણીબેન દ્વારા પ્રોત્સાહક ઇનામો અપાયા હતા. રોકડ પુરસ્કાર માટે સ્વ. ખીમજી દામજી કટારમલ પરિવાર તથા માસ્ટર ડિગ્રી પ્રોત્સાહન માટે ઈશ્વરલાલ માધવજી નંદા દાતા રહ્યા હતા. સમાજના વિદ્યાર્થીઓને નોટબુક અને પુસ્તકોના કાયમી દાતા સ્વ. ધનલક્ષ્મીબેન અશ્વિનકુમાર મંગેના પરિવારને પણ યાદ કરવામાં આવ્યો હતો.
મહાપ્રસાદનો લાભ અરવિંદ મૂળજી ખાનિયા પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો. ઓધવરામ બાપાની આરતી માટે રૂ. 25,111નો લાભ સ્વ. મણીબેન દામાણી પરિવાર તથા સ્વ. ગોવિંદજી કલ્યાણજી કટારમલ પરિવાર તરફથી સંયુક્ત રીતે લેવામાં આવ્યો હતો.

વિઠ્ઠલવાડીના બાંધકામ માટે લેવામાં આવેલી લોનની પરત ચુકવણી કરનાર જ્ઞાતિજનોનું મહાજન દ્વારા સત્કાર કરવામાં આવ્યો હતો. યુવક મંડળના પ્રમુખ મનોજભાઈ મંગેએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજના યુગમાં શિક્ષણ જ સફળતાનો મુખ્ય મંત્ર છે.
કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા અને ઓધવ રાસ તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા મહાજન પ્રમુખ જયેશભાઈ હુરબડા, યુવક મંડળ પ્રમુખ મનોજભાઈ મંગે તથા અન્ય અગ્રણીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન કિશન ગજરાએ કર્યું હતું જ્યારે આભાર વિધિ નરેશ ગજરાએ વ્યક્ત કરી હતી. અંતમાં યોજાયેલી સમાજની જનરલ મિટિંગમાં મહાજન પ્રમુખ તરીકે જયેશભાઈ ભાનુશાલી અને યુવક મંડળ પ્રમુખ તરીકે મનોજભાઈ મંગેની આગામી ત્રણ વર્ષ માટે સર્વસંમતિથી પુનઃવરણી કરવામાં આવી હતી.