
શનિવારે સવારે ગુજરાતના મંત્રી હર્ષ સિંઘવીએ કહ્યું હતું કે દિવાળીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે, લોકો ખરીદી કરવાથી લઈને મંદિર દર્શન કરવા માટે જાય છે. આ માટે 21 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનો દંડ વસૂલવામાં આવશે નહીં. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ રાજ્ય સરકારના આ નિર્ણય પર કટાક્ષ કર્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે- 2021માં ગુજરાતમાં 15,200 રોડ ટ્રાફિક અકસ્માતો થયા, જેમાં 7,457 લોકોએ જીવ ગુમાવ્યા. ભાજપ ગુજરાત સરકારનું આ રેવડી બોનસ લોકોના જીવ જોખમમાં મૂકશે.

જણાવી દઈએ કે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સિંઘવીએ કહ્યું હતું કે 21 થી 27 ઓક્ટોબર સુધી હેલ્મેટ ન પહેરવા અથવા ટ્રાફિક સિગ્નલ તોડવા પર લોકોને રોકવામાં તો આવશે, પરંતુ આઝાદીના 75 વર્ષ પર આવા લોકોને દંડ વસૂલવાને બદલે ફૂલ આપવામાં આવશે.
નોંધનીય છે કે ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં આ જાહેરાતને ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહી છે. જે પ્રજાને રીઝવવાનો પ્રયાસ કહી શકાય.

ગુજરાતની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પૂરો જોર લગાવી રહી છે. એક તરફ આમ આદમી પાર્ટી પોતાની તાકાત લગાવી રહી છે તો બીજી તરફ ભાજપે પણ પોતાના કામ દ્વારા લોકોને રિઝવવાનું શરૂ કર્યું છે. તો બીજી તરફ પીએમ મોદી પણ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન અલગ-અલગ પ્રોજેક્ટની ભેટ આપી રહ્યા છે.