ઇન્ડોનેશિયામાં પેસેન્જર ફેરીમાં ભીષણ આગ: 5નાં મોત, 41 ગુમ, 225 મુસાફરોને બચાવાયા

ઇન્ડોનેશિયાના માદુરા ટાપુ નજીક પેસેન્જર ફેરીમાં ભીષણ આગ લાગતા 5 લોકોના મોત થયા, 41 લોકો ગુમ છે અને 225 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા.

જકાર્તા: ઇન્ડોનેશિયાના માદુરા ટાપુ નજીક રવિવારે એક પેસેન્જર ફેરીમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે, જ્યારે 41 લોકો હજુ પણ ગુમ હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે. બીજી તરફ 225 મુસાફરો અને ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. બચાવ કામગીરી હજુ પણ યુદ્ધના ધોરણે ચાલુ છે.

Indonesia Ferry Fire મળતી માહિતી મુજબ, ‘મુતિયારા સેન્ટોસા 2’ (Mutiara Sentosa 2) નામની ફેરી પૂર્વ જાવાના સુરાબાયા શહેરથી દક્ષિણ સુલાવેસીના મકાસ્સર તરફ જઈ રહી હતી. સફર દરમિયાન અચાનક ફેરીમાં આગ ભભૂકી ઉઠી. થોડા જ સમયમાં આખા જહાજમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા, જેના કારણે મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો.

આગ લાગ્યા બાદ અનેક મુસાફરોએ પોતાનો જીવ બચાવવા દરિયામાં છલાંગ લગાવી હતી. નજીકમાં રહેલી બચાવ ટીમો, નેવી અને અન્ય જહાજોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં 225 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ગુમ થયેલા લોકોની શોધખોળ સતત ચાલુ છે.

ઇન્ડોનેશિયાની નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યૂ એજન્સી (Basarnas)એ જણાવ્યું છે કે બચાવ અભિયાનમાં અનેક રેસ્ક્યૂ બોટ અને અન્ય જહાજોને જોડવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે દરેક ગુમ થયેલા વ્યક્તિને શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આગ કેવી રીતે લાગી તેની તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.

ઇન્ડોનેશિયામાં દરિયાઈ પરિવહનનું જાળું ખૂબ મોટું છે અને હજારો લોકો રોજિંદા મુસાફરી માટે ફેરી સેવાઓનો ઉપયોગ કરે છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં આવી દરિયાઈ દુર્ઘટનાઓ અનેક વખત સામે આવી છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પણ પ્રશ્નો ઉઠ્યા છે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *