
છેલ્લા બે વર્ષમાં માત્ર 100 દિવસમાં 19 ગુનામાં ચુકાદો લાવી 6 ગુનેગારોને ફાંસી 10 ગુનેગારોને આજીવન કેદ આપી ગુજરાત દેશભરમાં મોખરે
રાજ્યના યુવાનોને ડ્રગ્સના દૂષણમાંથી મુક્ત કરવા આપણે સૌએ મુહિમ ચલાવવી પડશે: અમે “ડ્રગ્સ રિવોર્ડ” પોલીસી થકી પોલીસને મનોબળ પૂરું પાડ્યું: દરિયાકાંઠાના ગેરકાયદેસર બાંધકામો દૂર કરી સીમાઓ સુરક્ષિત કરી
આજે વિધાનસભા ખાતે ગૃહ વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જે તે સમયે રાજ્યમાં શાંતિ સલામતી માટેના લીધેલા નિર્ણયો આજે ફળીભુત થયા છે. છેલ્લા 22 વર્ષમાં એવું તો શું થયું કે ગુજરાત આજે કાયદો વ્યવસ્થા સંદર્ભે દેશમાં નંબર વન બન્યું છે. એની પાછળ રાજ્ય સરકારની દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને સુપેરે નિભાવવા માટે પોલીસ અધિકારીઓની કામગીરીમાંથી રાજકીય ખટપટો-અડચણ દૂર કરીને ફરજો નિભાવવામાં સ્વતંત્રતા આપી જેના પરિણામે આ શક્ય બન્યું છે. રાજ્યની પોલીસ આજે ગુનાઓ પકડવાની સાથે સાથે સામાજિક જવાબદારીઓમાં પણ સહભાગી બનીને નાગરિકોની સેવામાં સેવાવૃત બની છે તે આપણા સૌ માટે ગૌરવ છે તે તમામને હું રાજ્યના સૌ નાગરિકો વતી આભાર માનું છું.
રાજ્યના યુવાનોને નશાની ચુંગલમાંથી મુક્તિ અપાવવી એ જ અમારો નિર્ધાર છે ત્યારે દારૂના દુષણને ડામવા માટે આપણે સૌ પક્ષા પક્ષીથી પર રહીને સામાજિક જવાબદારી નિભાવીને સામૂહિક લડત લડીશું તો ચોક્કસ આપણે સફળ થઈશું. તે જ રીતે પ્રવર્તમાન યુગમાં ડ્રગ્સનું દુષણ જે રીતે વધી રહ્યું છે તેને નાથવા માટે પણ આપણે જાગૃતિ કેળવાય તેના પ્રયાસો કરીને મુહિમ ચલાવી પડશે. ડ્રગ્સને પકડવા માટે પોલીસ કર્મીઓના મનોબળને વધારવા માટે ડ્રગ્સ રીવોર્ડ પોલીસી બનાવનાર એકમાત્ર રાજ્ય ગુજરાત છે. પોલીસની નિષ્ઠા અને નૈતિકતાના પરિણામે જ આજે રાજ્યમાં ક્રાઈમ રેટ ઘટયો છે અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સને દરિયામાંથી ભારતમાં ઘુસતું અટકાવ્યું છે. અહીં દરિયાકાંઠાના વિસ્તારોમાં પેડલરો દ્વારા જે અનઅધિકૃત બાંધકામ કર્યા હતા તે તમામનો સફાયો કરીને અમારી સરકારે દરિયાઈ સુરક્ષા વધુ સુદ્રઢ કરી છે.
ગૃહ રાજ્ય મંત્રીએ હિંસાત્મક ગુનાઓના ક્રાઇમ રેટમાં દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતની સ્થિતિ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતનો ક્રાઇમ રેટ 11.90 છે. જ્યારે છત્તીસગઢમાં 28.8, રાજસ્થાનમાં 29 અને પંજાબમાં 20.80 છે. એટલે કે, સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યનું 32મુ છે. 33મુ દાદરાનગર હવેલી, 34મુ લદાખ, 35મુ લક્ષદ્વીપ અને 36મુ નાગાલેન્ડ છે. પોલીસના જવાનો સામાજીક અને કૌટુંબિક સુખનો ત્યાગ કરી તહેવારો સમયે કુટુંબ સાથે રહેવાના સમયે ફરજને પ્રાધાન્ય આપી ફરજના સ્થળે હાજર રહી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની કપરી કામગીરી સફળતાપૂર્વક કરે છે. પ્રજાના કરોડો રૂપિયાના જાનમાલ અને મિલકતની રક્ષા કરે છે.
સામાન્ય જનોમાં પોલીસની છાપ સારી હોતી નથી. નકારાત્મક બાબતો લોક માનસમાં ઘર કરી ગઈ હોય છે, પણ કોરોના કાળમાં પોલીસ જવાઓએ વૃદ્ધોને દવાઓ, ખોરાક વગેરે સુવિધાઓ આપવાની અદ્વિતિય અને બેનમૂન કામગીરી કરી હતી. એટલું જ નહીં, દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ દળે ધોરણ-૧૦ અને ૧૨માં અભ્યાસ કરતાં દેશના ભવિષ્ય એવા ભૂલકાઓ માટે અકલ્પનીય કામગીરી કરી છે. ઓખા મરીન પોલીસે પરીક્ષાને ધ્યાનમાં રાખી બેટ દ્વારકાથી ઓખા પહોંચવા માટે અનોખી પહેલ કરી. વિદ્યાર્થીઓ પરીક્ષા માટે મોડા ન પડે તે માટે ઓખા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સ્કૂલના આચાર્ય તથા વાલીઓનો કોન્ટેક્ટ કરી ઓખા મરીન પોલીસની સરકારી બોટની વ્યવસ્થા કરી આપી હતી.
વ્યાજખોરી, લોનમેળા અને મુદ્દામાલ પરત કરવા અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પહેલી કેબીનેટમાં જ વ્યાજખોરીનું દુષણ મુખ્યમંત્રીએ આપી હતી. વ્યાજખોરીના ચક્રમાં ફસાયેલ લોકો પોતાની આર્થિક મજબૂરીના કારણે નાછુટકે પોતાની જરૂરીયાતોને પોષવા માટે વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે ધિરાણ મેળવેલ હોય છે. આવા લોકો તેમની મજબૂરીનો લાભ ઉઠાવતા દુષણો સામે શોષણનો ભોગ ન બને તે માટે વ્યાજખોરો સામે ગૃહ વિભાગે કડક પગલાં લીધા છે. વ્યાજખોરો સામે પગલાં દ્વારા લોકજાગૃતિ માટે 2389 લોકદરબાર રાજ્યભરમાં કર્યા જેનો લાભ 1.30 લાખ લોકોએ લીધો છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન રાજ્ય સરકારે વ્યાજખોરો સામે સકંજો કસીને સંતોષ માનેલ નથી. પરંતુ જે લોકો વ્યાજખોરીમાં બરબાદ થઈ ગયા છે તેવા લાચાર અસહાય લોકોને મદદ કરવા માટે જુદી જુદી બેંકોની મદદથી રાજયના ૩૮ પોલીસ જીલ્લાઓમાં લોન મેળાઓનું આયોજન કરી ૨૧,૯૭૮ લોકોને કિફાયતી અને પરવડે તેવા વ્યાજના નહિવત દરથી રૂ.૨૬૨ કરોડની લોન અપાવવાનું ભગીરથ કામ કર્યું છે. જેમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના, બાજપાઇ બેન્કેબલ લોન યોજના, પી.એમ.સ્વનિધિ યોજના, કિસાન સાથી યોજના, પર્સલન લોન યોજના, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ, દંત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના, જયોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના, માનવ કલ્યાણ યોજના, ઔદ્યોગીક સહકારી મંડળીની પેકેજ યોજના હેઠળ લોકોને લોન આપવામાં આવી છે. અસામાજિક તત્વો દ્વારા કિંમતી જમીનો અને સરકારી મિલકતો પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવી છે. દ્વારકા જિલ્લાની બેટ દ્વારકા, હર્ષદ માતા, નાવદરા અને કચ્છની જમીન પર, પોરબંદર, બનાસકાંઠા સહીતની અનેક જિલ્લાઓની સરકારી જમીનમાં ઘણા વર્ષોથી અનઅધિકૃત રીતે કરેલ કબજાને છોડાવીને આવા તત્વોની શાન ઠેકાણે લાવવામાં આવી છે.
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, વાહન ચોરી કે મોબાઇલ ચોરીની ઓનલાઇન ફરિયાદકરવાનું મિકેનિઝમ આ સરકારે કર્યુ છે. વાહન અને મોબાઇલ ચોરીના ગુનાઓ ઓનલાઇન મોંધવારી માટે ઈ-એફઆઈઆર પ્રોજેક્ટ લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તા.૨૩/૦૭/૨૦૨૨ના રોજ રાજ્ય સરકારના આ મહત્વકાંક્ષી ઇ-એફ.આઇ.આર પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં માત્ર સો દિવસમાં 19 ગુનામાં ચુકાદો લાવી 6 ગુનેગારોને ફાંસી 10 ગુનેગારોને આજીવન કેદ આપી ગુજરાત દેશભરમાં મોખરે રહ્યું છે. ગુનાઓના આંકડાના વધારા કે ઘટાડાની માયાજાળમાં પડ્યા સિવાય રાજયના નાગરિકને જરૂરીયાત પ્રાથમિકતા આપી છે. ચોરીના ગુનાઓનો ક્રાઈમ રેટમાં ગુજરાતનું સ્થાન ૨૭મું છે. દેશનો ક્રાઈમ રેટ ૪૨.૯ ટકા છે. અન્ય રાજયના ક્રાઈમ રેટ અંગે મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં માત્ર ૧૫.૨ ટકા છે, જેની સામે છત્તીસગઢમાં ૨૭.૩ ટકા, રાજસ્થાનમાં ૪૩.૮ ટકા તથા પંજાબમાં ૨૭.૨ ટકા છે.
સાયબર ક્રાઇમની ગુનાખોરી ૨૧મી સદીમાં વધી રહી છે, આ ગુનાઓ માટે ૧૯૩૦ હેલ્પ લાઇન કાર્યરત કરવામાં આવી છે, જેમાં ૩૦ ટેલિફોન લાઇન છે જેથી રાજ્યના નાગરિકોને ફોન વ્યસ્તનો સામનો ન કરવો પડે તેનું ધ્યાન રાખવામાં આવે છે. ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇનમાં આજદિન સુધી ૧૨૨.૪૭ કરોડ રૂપિયા અરજદારના ખાતામાં થી ઉપડી જતા પહેલા બ્લોક કરવામાં આવ્યાં છે. સાથોસાથ ૩૫.૫૩ કરોડ રૂપિયા અરજદારોને પરત કરાયાં છે. ગુજરાત પોલીસની આ ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ સમગ્ર દેશમાં લેવામાં આવી છે અને આપણા રાજ્યને રોલ મોડેલ તરીકે સ્વીકારીને અનુસરવા સૂચના આપવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સંભાળ સાથે સામાજિક જવાબદારી એવી ખોવાયેલા બાળકોની છે. મા-બાપની બીજાઓને પણ પ્રાથમિકતા આપી છે. ગુજરાત પોલીસ બાળકને શોધવા માટે રાત-દિવસ એક કરે છે. જ્યારે પોલીસ તંત્ર આધુનિક સાધનો તેમજ રાત-દિવસ મહેનત કરીને કોઈ ખોવાયેલ બાળક તેમના માતા-પિતાને પરત કરવામાં આવે છે. આ ખોવાયેલા બાળકો શોધવા માટેના સ્પેશિયલ શાખામાં આશરે ૬૬૮ માણસો કાર્યરત છે. જેમાં વધુ ૧,૦૦૦ સભ્યોનો વધારો કરવાની સરકારનું આયોજન છે.
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨થી તા.૩૧/૦૧/૨૦૨૩ દરમ્યાન ગુમ થયેલા ૪,૧૩૧ બાળકોમાંથી ૩,૨૬૪ બાળકો પરત મેળવવામાં આવ્યાં છે. વર્ષ ૨૦૦૭થી ૨૦૨૨ સુધીમાં ૫૫,૬૧૮ બાળકોમાંથી ૫૩,૦૦૦ બાળકો પરત મેળવવામાં આવ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં અંબાજી ખાતે શકિત સેવા કેન્દ્ર દ્વારા ભિક્ષા માંગતા અનાથ બાળકોના વિકાસ માટે એક બેન્ડની શરૂઆત કરવામાં આવી છે તેની વિગતો આપતાં મંત્રીએ કહ્યું હતું કે, ૧૪ થી ૧૮ વર્ષના ૨૧ બાળકો દ્વારા બેન્ડ વગાડવામાં આવે છે. બાળકો વિરુદ્ધના ગુનાઓનો ક્રાઈમ રેટ અંગે મંત્રીએ અન્ય સરખામણી કરતાં જણાવ્યું હતું કે, ભારતનો ક્રાઈમ રેટ ૩૩.૬ છે. જ્યારે છત્તીસગઢમાં ૬૧.૬ ટકા, રાજસ્થાનમાં ૨૭.૨ ટકા, પંજાબમાં ૨૯.૨ ટકા છે, જેની સામે ગુજરામાં માત્ર ૨૧.૬ ટકા છે. સમગ્ર ભારતમાં ગુજરાતનું સ્થાન ૨૭મું છે. મહિલા વિરુદ્ધના ગુનાઓનો ક્રાઈમ રેટ અંતર્ગત મંત્રીએ જણાવ્યું કે, અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતનો ક્રાઈમ રેટ સૌથી ઓછો માત્ર ૨૨.૦૧ ટકા છે. જ્યારે ભારતના સરેરાશ ક્રાઈમ રેટ ૬૪.૫ ટકાની સામે છત્તીસગઢમાં ૪૯.૮ ટકા, રાજસ્થાનમાં ૧૦૫.૦૪ ટકા તથા પંજાબમાં ૩૯.૨ ટકા છે. સમગ્ર ભારતમાં ગુજરાતનું સ્થાન ૩૨મું છે. જ્યારે ૩૩મું સ્થાન મણિપુર, ૩૪મું પોંડિચેરી, ૩૫મું લદાખ અને ૩૬મું નાગાલેન્ડનું છે. મહિલા વિરુદ્ધના ગુનાઓમાં બળાત્કાર, અપહરણનો સમાવેશ થાય છે. આમ, ગુજરાત મહિલાઓની સલામતી માટે સર્વશ્રેષ્ઠ રાજ્ય તરીકે ઊભરી આવ્યું છે.