
બજેટને લઈને આજે પ્રથમ દિવસે પાંચ વિભાગોની બેઠક મળી હતી. વધુમાં સંકલ્પ પત્રના મુદાને વધુને વધુ ન્યાય મળે તે માટે આગામી 6 તારીખ સુધી બેઠક યોજાશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ વહીવટી તત્રં કામે લાગી ગયું છે આગામી ૨૦૨૩– ૨૪ ના વર્ષ માટે નાણા વિભાગ દ્રારા બજેટની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બજેટ માટે સરકાર દ્વારા વિભાગવાર બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં નવી યોજનાઓ મુકવા સંદર્ભે બેઠકોમાં ચર્ચા કરવામાં આવી રહી છે. આ સંદર્ભે પ્રથમ દિવસે પાંચ વિભાગોની બેઠક મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજે પ્રથમ દિવસે કાયદો, આદિજાતિ વિકાસ તથા નર્મદા વિભાગ અને જળ સંપત્તિ, પાણી પુરવઠા વિભાગમાં પણ ચર્ચા થઈ હતી. એટલું જ નહીં બજેટને લઈને 6 જાન્યુઆરી સુધી તબક્કાવાર બેઠકોના આયોજન હાથ ધરવામાં આવ્યા છે. જેમાં વિભાગ વાર સમીક્ષાઓ હાથ ધરવામાં આવશે. સંકલ્પ પત્રને બજેટમાં સમાવી લઈને યોજનાઓનું આયોજન કરવામા આવી રહ્યું છે ત્યારે આગામી બજેટ મોટા ગુડ ન્યૂઝ આપે તેવા ઉજળા સંજોગો વર્તાઈ રહ્યા છે.
જેમાં નાણાવિભાગ સાથેની બેઠક બાદ CM અને CMના સલાહકાર સાથે પરામર્શ થશે. ત્યારબાદ નવા બજેટમા સરકાર દ્વારા સંકલ્પ પત્રમાં સમાવાયેલા મુદ્દાઓને વધુને વધુ ન્યાય આપવા પર ભાર મુકવામાં આવશે અને વધુને વધુ લોકો સુધી વિકાસ કામો પહોંચાડવા આયોજન હાથ ધરાઈ રહ્યા છે.બીજી બાજુ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2023ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. ત્યારે આ બજેટને વધુને વધુ લોક ઉપયોગી બનાવી શકાય તે માટે લોકો ના સૂચનો પણ મંગાવવામાં આવી રહ્યા છે.