
લાંચની રકમ આપવા માગતા ન હોય ફરિયાદીએ દેવભૂમિ દ્વારકા ACBનો સંપર્ક કર્યો હતો
ભાણવડના પાછતર ગામમાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવતો સંજય ચતુરભાઈ ઓળકિયાએ વાડીની જમીનમાં ગોડાઉન બનાવવા સબસીડીની ફાઈલ મંજૂર કરવા 10 હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી. આથી ફરિયાદી લાંચ ન આપવા માગતા હોય દેવભૂમિ દ્વારકાના ACB વિભાગમાં જાણ કરી હતી. આજે ACBએ છટકું ગોઠવતા ભાણવડની જૂની તાલુકા પંચાયત કચેરી ખાતેથી ગ્રામ સેવક સંજયભાઈને 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.
ગોડાઉન બન્યા બાદ સ્થળ વિઝીટ કરી આરોપીએ 10 હજારની લાંચ માગી
આ કામના ફરિયાદીએ મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ પોતાની ખેતીની જમીનમાં ગોડાઉન બનાવ્યું હતું. બાદમાં સરકાર તરફથી યોજના મુજબ મળતી સબસીડીની રકમ મંજૂર કરાવવા આ કામના આરોપી સંજયને સ્થળ વિઝીટ કરવા બોલાવ્યો હતો. બાદમાં આરોપીએ ફરિયાદીની સબસીડીની ફાઇલ મંજૂર કરાવવા રૂ.10 હજારની ગેરકાયદેસર લાંચની માગણી કરી હતી. લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોય દેવભૂમિ દ્વારકા ACBનો સંપર્ક કર્યો હતો. બાદમાં ACBએ લાંચનું છટકું ગોઠવી સંજય ફરિયાદી પાસેથી 10 હજાર લેતા ઝડપાયો હતો.
અગાઉ રાજકોટમાં ક્લાસ 2 ઇન્કમટેક્સ ઓફિસર 15 હજારની લાંચ લેતા ઝડપાયા હતા
રાજકોટના ક્લાસ 2 ઇન્કમટેક્સ ઓફિસર મૌલેશ મહેતા 7 મહિના પહેલા 15,000ની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા હતા. વર્ષ 2011-12ના ઇન્કમટેક્સ રિટર્નમાં આવેલી ક્વેરી સોલ્વ કરવા ઓફિસરે અરજદાર પાસેથી 20 હજારની લાંચ માંગી હતી. બાદમાં 15,000ની લાંચ સ્વીકારી હતી. ભોગ બનનારે ACBને અરજી કરી હતી. અરજીના આધારે ACBએ તપાસ શરૂ કર્યા બાદ લાંચ લીધી હોવાનું સામે આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.