
કેન્દ્ર સરકાર દ્વારા કોરોના કાળ દરમિયાન દેશના 80 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને DAમાં વધારાના લાભને આપવામાં આવ્યો ન હતો ત્યારે આ વર્ષે દિવાળી સુધીમાં કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનું વિચારી રહી છે. કેન્દ્ર સરકાર તેમાં 4 ટકા સુધી વધારો કરવાનું વિચારી રહી છે. જો કે કઇ તારીખે તેની જાહેરાત કરવામાં આવશે તે અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

કેન્દ્રીય કર્મચારીઓ ડીએ અને ડીઆરમાં વધારા માટે પ્રતિક્ષા કરી રહ્યાં છે. આ પહેલા જ કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ બદલાવ કર્યો છે. કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓના પ્રમોશન માટે જરૂરી લઘુત્તમ યોગ્યતા સેવાના નિયમોમાં ફેરફાર કર્યો છે.

શું ફેરફાર થયો છે:
હાલમાં જ કેન્દ્ર સરકારના કર્મચારી અને તાલીમ વિભાગ (ડીઓપટી)એ એક લેટર જારી કર્યો છે. આ લેટરમાં અલગ અલગ લેવલના હિસાબે પ્રમોશનની અનિવાર્ય યોગ્યતાને વધારવામાં આવી છે. અર્થાત્, લેવલ એકથી લઇને લેવલ બે સુધી પ્રમોશન માટે 3 વર્ષની સર્વિસ જરૂરી છે. જ્યારે, લેવલ 2 થી લેવલ 4 સુધી પ્રમોશન મેળવવા માટે નોકરીમાં સતત 8 વર્ષ સુધી કામ કર્યું હોય તે પણ જરૂરી છે. એ જ રીતે લેવલ 4 થી લેવલ 6 સુધી જવા માટે 10 વર્ષની સર્વિસને અનિવાર્ય બનાવવામાં આવી છે. એ જ રીતે અન્ય નિયમ પર નજર કરીએ તો લેવલ 17 સુધી સર્વિસના નિયમોમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. જણાવી દઇએ કે ડીઓપીટીએ દરેક મંત્રાલયો તેમજ વિભાગોને યોગ્ય પ્રક્રિયાનું પાલન કરીને ભરતી અને સેવા નિયમોમાં જરૂરી બદલાવ કરવાનો નિર્દેશ કર્યો છે.