ગાંધીનગરમાં અખિલ ગુજરાત નાયી-વાળંદ સમાજનું સ્નેહમિલન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં યોજાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ રાજ્ય છે અને અન્ય રાજ્યોની તુલનાએ દરેક ક્ષેત્રે નંબર વન રાજ્ય છે. 

 એટલું જ નહિ, કોરોના કાળમાં પણ સુદ્રઢ નાણાંકીય વ્યવસ્થાપન સાથે ગુજરાત સરકારે ર લાખ ૪પ હજાર કરોડનું માતબર બજેટ ફાળવીને વિકાસની ગતિ વધુ તેજ બનાવી છે. 

 શિક્ષણ, આરોગ્ય, પાણી, વીજળી સહિત ઉદ્યોગોનો વિકાસ, રોજગારી-ધંધા વ્યવસાયમાં ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દિશાદર્શનમાં વિકાસની હરણફાળ ભરી છે એવો સ્પષ્ટ મત પણ તેમણે દર્શાવ્યો હતો. 

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અખિલ ગુજરાત નાયી-વાણંદ સમાજ દ્વારા ગાંધીનગરમાં અભિવાદન કરવામાં આવ્યું તે અવસરે તેઓ સંબોધન કરી રહ્યા હતા. 

  ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ કહ્યું કે, ગુજરાત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું વતન રાજ્ય છે અને એટલે જ કેટલાંક લોકો ગુજરાતના વિકાસને ડહોળવા માંગે છે. જે વચનો તેમનાથી પૂરા જ નથી થવાના તેવા ખોટા વચનોના વાયદા કરીને ગુજરાતની જનતા જનાર્દનને વિકાસ માર્ગેથી તેઓ ચલિત નહિં કરી શકે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. 

 મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇએ સમાજના દરેક વર્ગ અને નાનામાં નાના સામાન્ય માનવીને કેન્દ્રસ્થાને રાખીને જે કલ્યાણ યોજનાઓ ઘડી છે તેનો ડબલ એન્જીન સરકારમાં ગુજરાતને વ્યાપક લાભ મળ્યો છે. 

 સાડા દસ લાખ જેટલા આવાસો ગુજરાતમાં જરૂરતમંદ લાભાર્થીઓને અપાયા છે. એટલું જ નહિ, આવનારા દિવસોમાં ૧૦૦ ટકા ઘરોને નલ સે જલ નો લક્ષ્યાંક પણ પૂર્ણ કરવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ એમ તેમણે ઉમેર્યુ હતું. 

 મુખ્યમંત્રીએ શિક્ષણ, આરોગ્ય તથા ધંધા-રોજગારની વિવિધ યોજનાઓમાં નાયી-વાળંદ સમાજના જરૂરતમંદ લોકોને મદદ કરવા સરકાર તેમની પડખે ઊભી છે તેવો વિશ્વાસ પણ આપ્યો હતો. 

 તેમણે ગુજરાતની અવિરત વિકાસયાત્રા આગળ ધપાવવા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વને વધુ મજબૂત કરવા માટે આ સમાજ પણ સક્રિય સહયોગ કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. 

 મુખ્યમંત્રીએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના આ વર્ષે વાળંદ સમાજનો યુવાન અગસ્ત્ય આણંદથી નવી દિલ્હી સુધી સ્કેટીંગ કરીને પહોંચ્યો તેની સિદ્ધિનું ગૌરવ સન્માન કર્યુ હતું. 

 પ્રદેશ અગ્રણી અને બક્ષીપંચ મોરચાના પૂર્વ અધ્યક્ષ ભગવાનદાસ પંચાલ, વાળંદ સમાજના અગ્રણી અલ્પેશભાઇ તથા અન્ય અગ્રણીઓએ મુખ્યમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં અને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત દેશના સર્વગ્રાહી વિકાસનું મોડેલ બન્યુ છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. 

 તેમણે સૌએ આવનારા દિવસોમાં મુખ્યમંત્રીને અને પક્ષને નાયી-વાળંદ સમાજના સંપૂર્ણ સહયોગની ખાતરી પણ આપી હતી. 

 ગુજરાતના વિવિધ જિલ્લા-નગરો અને મહાનગરોના નાયી-વાળંદ સમાજના ભાઇઓ-બહેનોએ આ સ્નેહમિલનમાં ઉપસ્થિત રહી મુખ્યમંત્રીનું ભાવભર્યુ સન્માન-અભિવાદન કર્યુ હતું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *