
ગાંધીનગરમાં 19 વર્ષીય B.Tech વિદ્યાર્થીએ 11મા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ
રાયસણની વિનાયક સરલ કોટિયાર્ડ સોસાયટીમાં મોડી રાત્રે ઘટના; મિત્ર સાથે ફોન પર વાત કર્યા બાદ ભર્યું અંતિમ પગલું
ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં આવેલી PDEU યુનિવર્સિટી નજીકની વિનાયક સરલ કોટિયાર્ડ સોસાયટીમાં મોડી રાત્રે એક દુઃખદ ઘટના બની હતી. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતા અને આણંદ ખાતે B.Techનો અભ્યાસ કરતા 19 વર્ષીય દેવર્ષ અજય દીક્ષિતે 11મા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. બનાવ અંગે ઇન્ફોસિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક માહિતી મુજબ, દેવર્ષના પિતાનો સોસાયટીમાં 11મા માળે ફ્લેટ છે, જે હાલ ભાડે અપાયેલો છે. રવિવારે દેવર્ષ પોતાના મામા સાથે વડોદરા ગયો હતો. સાંજે પરત ફર્યા બાદ મામાને ઘોડાસર ઉતારી તે પોતાના ઘરે જવા નીકળ્યો હતો, પરંતુ ઘરે જવાને બદલે ગાંધીનગર સ્થિત પિતાના ફ્લેટ પર પહોંચ્યો હતો. તે સમયે ફ્લેટમાં રહેતા ભાડુઆત નોકરી પર હોવાથી ફ્લેટ બંધ હતો.
ફ્લેટની બહાર દેવર્ષે પોતાના મિત્ર રોનિત સાથે મોબાઇલ ફોન પર લાંબી વાતચીત કરી હતી. ત્યારબાદ તેણે પોતાનો મોબાઇલ પાળી પર મૂકી દીધો અને 11મા માળેથી નીચે ઝંપલાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
મોટો અવાજ સંભળાતા સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ્સ અને રહીશો સ્થળ પર દોડી આવ્યા હતા. ગંભીર ઇજાઓને કારણે દેવર્ષનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જાણ થતાં ઇન્ફોસિટી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, યુવકે આ પગલું શા માટે ભર્યું તે અંગે હજુ કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. પરિવારજનોના નિવેદન અને અન્ય પુરાવાના આધારે સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
