
લાયસન્સ અને હેલ્મેટ વગર શાળામાં ‘નો-એન્ટ્રી’: અમદાવાદ DEOનો કડક આદેશ
અમદાવાદ: શહેરમાં સગીર વિદ્યાર્થીઓની માર્ગ સલામતીને પ્રાથમિકતા આપતા જિલ્લા શિક્ષણાધિકારી (DEO)એ તમામ શાળાઓ માટે કડક પરિપત્ર જાહેર કર્યો છે. નવા આદેશ મુજબ 18 વર્ષથી ઓછી ઉંમરના અથવા માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવી શાળાએ આવતા વિદ્યાર્થીઓને શાળા પરિસરમાં પ્રવેશ આપવામાં નહીં આવે. તેમજ હેલ્મેટ વિના દ્વિચક્રી વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
DEOએ તમામ શાળાઓને આગામી 7 દિવસમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમો યોજવા, પ્રાર્થના સભા અને વર્ગખંડમાં માર્ગ સલામતી અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા તથા વાલીઓને લેખિત, વોટ્સએપ, એસએમએસ અથવા અન્ય માધ્યમથી સ્પષ્ટ સૂચના આપવા જણાવ્યું છે કે સગીર બાળકોને વાહન ચલાવવા ન આપવું.
જો કોઈ વિદ્યાર્થી લાઇસન્સ વગર અથવા હેલ્મેટ વિના વાહન લઈને શાળાએ આવે તો તેને વાહન સાથે શાળા પરિસરમાં પ્રવેશ નહીં આપવામાં આવે. શાળાએ વાલીને તાત્કાલિક બોલાવી સમજણ આપવાની અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની લેખિત ખાતરી લેવાની રહેશે.
DEOએ જણાવ્યું છે કે ટ્રાફિક પોલીસ અને RTO સાથે સંકલન કરીને શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાશે. જો શાળા પરિસરમાં નિયમભંગ કરતા વિદ્યાર્થીઓના વાહનો જોવા મળશે અથવા શાળાની બેદરકારી સામે આવશે તો સંબંધિત શાળા સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મુખ્ય સૂચનાઓ
18 વર્ષથી ઓછી ઉંમરના અથવા લાઇસન્સ વગરના વિદ્યાર્થીઓને વાહન ચલાવવા મંજૂરી નહીં.
હેલ્મેટ વગર દ્વિચક્રી વાહન લઈને આવતા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ નહીં.
આગામી 7 દિવસમાં રોડ સેફ્ટી જાગૃતિ કાર્યક્રમો યોજવાના.
વાલીઓને લેખિત અને ડિજિટલ માધ્યમથી નિયમોની જાણ કરવી.
RTO અને ટ્રાફિક પોલીસ સાથે મળીને શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ થશે.
કાનૂની જોગવાઈઓ
મોટર વાહન અધિનિયમ, 1988ની કલમ 3, 4, 5, 181 અને 199A મુજબ લાઇસન્સ વગર વાહન ચલાવવું ગેરકાયદેસર છે. સગીર દ્વારા વાહન ચલાવવાના કેસમાં વાહનના માલિક અથવા વાલી સામે પણ દંડાત્મક કાર્યવાહી અને ગુનો નોંધવાની જોગવાઈ છે.
