સોનમ વાંગચુકના સમર્થનમાં મૌન ધરણું, AAPએ શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની કરી માંગ

સોનમ વાંગચુકના સમર્થનમાં મૌન ધરણું, AAPએ શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની કરી માંગ

આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. કાયનાત અન્સારી આથાએ રવિવારે સોનમ વાંગચુકના સમર્થનમાં 3 કલાકનું મૌન ધરણું યોજી દેશની શિક્ષણ વ્યવસ્થા, NEET સહિતની પરીક્ષાઓમાં પેપર લીકના મુદ્દા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ડૉ. કાયનાત અન્સારી આથાએ જણાવ્યું કે સોનમ વાંગચુક છેલ્લા ઘણા દિવસોથી દેશની શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે વારંવાર થતી પેપર લીકની ઘટનાઓને કારણે અનેક વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પર ગંભીર માનસિક અસર પડી છે. તેમણે કહ્યું કે જો શિક્ષણ વ્યવસ્થામાં સતત ખામીઓ સામે આવી રહી હોય તો તેની જવાબદારી સ્વીકારી સંબંધિત જવાબદારોએ રાજીનામું આપવું જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું કે શિક્ષણ અને આરોગ્ય જેવા મૂળભૂત મુદ્દાઓ પર દેશવ્યાપી ચર્ચા થવી જરૂરી છે. સમાજને ધર્મ અને જાતિના મુદ્દાઓથી ઉપર ઊઠીને શિક્ષણ અને યુવાનોના ભવિષ્ય માટે અવાજ ઉઠાવવાની જરૂર હોવાનું તેમણે કહ્યું.

ડૉ. આથાએ પોતાના નિવેદનમાં અગાઉ અન્ના હજારેના આંદોલન દરમિયાન ભાજપે લીધેલા વલણનો ઉલ્લેખ કરતાં વર્તમાન સરકારની ટીકા પણ કરી હતી. તેમના જણાવ્યા મુજબ, લોકશાહીમાં શાંતિપૂર્ણ આંદોલનો અને જનતાની માંગણીઓને સાંભળવી સરકારની જવાબદારી છે.

અંતમાં તેમણે દેશના નાગરિકોને અપીલ કરી કે તેઓ શિક્ષણ વ્યવસ્થામાં સુધારા માટે ચાલી રહેલા આંદોલનને સમર્થન આપે અને દેશની ભાવિ પેઢીના હિતમાં સકારાત્મક પરિવર્તન માટે આગળ આવે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *