
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. મોટા નેતાઓ સતત રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે અને એકબીજા પર ઉગ્ર પ્રહાર પણ કરી રહ્યા છે. ભાજપની તરફેણમાં વાતાવરણ બનાવવા માટે જ્યાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક મોટા નેતાઓ મેદાનમાં ઉતર્યા છે, તો આમ આદમી પાર્ટી (AAP) માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. દરમિયાન, સોમવારે દેશના વડાપ્રધાન ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે.

તેમના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે, જ્યાં પીએમ નરેન્દ્ર મોદીએ કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું, ત્યાં તેમણે વિપક્ષી પાર્ટીઓ પર પણ જોરદાર નિશાન સાધ્યું. કોંગ્રેસ અંગે પીએમ મોદીએ કહ્યું કે, “ગુજરાતમાં કોંગ્રેસ નિષ્ક્રિય દેખાય છે, પરંતુ તે ચુપચાપ શહેરો અને ગામડાઓમાં જઈ રહી છે. કોંગ્રેસ લોકોને ભાજપ વિરુદ્ધ મત આપવાનું કહી રહી છે.”
સીએમ કેજરીવાલે પૂછ્યો સવાલ
વડાપ્રધાન મોદીના આ નિવેદન બાદ કોંગ્રેસ પહેલા આમ આદમી પાર્ટીના સંજોયક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સવાલ ઉઠાવ્યા છે. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું કે, શું પીએમ ગુજરાતમાં કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યા છે. જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ પણ સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને રાજ્યના લોકોને મફત વીજળી, મફત શિક્ષણ જેવા અનેક વચનો પણ આપી ચુક્યા છે. આ દરમિયાન તેમણે ઘણી વખત ભાજપ પર પ્રહારો પણ કર્યા છે. ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

પીએમ મોદીએ કર્યો અર્બન નક્સલનો ઉલ્લેખ
PM મોદીએ સોમવારે અર્બન નક્સલને લઈને પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ‘અર્બન નક્સલીઓ’ તેમનું સ્વરૂપ બદલીને રાજ્યમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ગુજરાત તેમને યુવાનોનું જીવન બરબાદ કરવા દેશે નહીં. PM મોદીએ ભરૂચ જિલ્લામાં દેશના પ્રથમ બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કર્યા બાદ કહ્યું હતું કે, “શહેરી નક્સલવાદીઓ રાજ્યમાં નવા દેખાવ સાથે પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓએ તેમનો પહેરવેશ બદલ્યો છે. તેઓ આપણા નિર્દોષ ઉત્સાહી યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. “