બારડોલીના શાસ્ત્રી રોડ ઉપર મહિલાના ગળામાંથી મંગળસૂત્ર તોડી તસ્કરો ફરાર

બારડોલીના શાસ્ત્રી રોડ ઉપર મોડીસાંજના સમયે પોતાની એકટીવા મોપેડ ઉપર સવાર થઈ સરભોણ મુકામે પોતાના ઘરે જઇ રહેલા દંપતિ ના વાહનને આતરી મહિલાના ગળામાંથી સોનાનુ મંગળસૂત્ર તોડી મોઢે બુકાની બાંધી આવેલા બાઈક સવાર તસ્કરો ભાગી છૂટયા હતા.


         બારડોલી તાલુકાના સરભોણ ગામે આવેલા બાલમંદિર ફળિયામાં રહેતા રશ્મિકાંતભાઈ ટેલર તથા તેમના પત્ની જયશ્રીબેન તેમના એકટીવા મોપેડ ઉપર ઓલપાડ તાલુકાના સાયણ મુકામે કામકાજ પતાવી સાંજના સમયે બારડોલી મુકામે શાસ્ત્રી રોડ ઉપર આવેલા કોળીવાડ મા રહેતા સંબંધીને ત્યાં ગયા હતા. મોડી સાંજના 7.15 વાગ્યાના સમય આસપાસ દંપતી બારડોલીના શાસ્ત્રી રોડ માર્ગે સરભોણ ગામે જવા નીકળ્યું હતું તેવા સમયે શાસ્ત્રી રોડ ઉપર આવેલા માણિભદ્ર એપાર્ટમેન્ટ થી સ્વામિનારાયણ મંદિર સુધીના માર્ગ વચ્ચે પાછળથી પૂર ઝડપે આવેલા અને મોઢા ઉપર બુકાની બાંધી હોવાનું જણાતા બે બાઈક સવાર તસ્કરોએ જયશ્રીબેનના ગળામાં થી આશરે સવા તોલા વજનનુ સોનાનું મંગળસૂત્ર તોડી તસ્કરો ભાગી છૂટયા હતા. બૂમાબૂમ કરવા સાથે તસ્કરો નો પીછો કરવા છતાં તસ્કરો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.


         ચીલ ઝડપનો ભોગ બનનાર દંપતીએ બારડોલી પોલીસ મથકનો સંપર્ક કરતા બારડોલી ટાઉન પોલીસ મથકના એએસઆઈ સંજયભાઈ તખુભાઇ એ વિવિધ સીસીટીવી કેમેરા ફૂટેજ ની તપાસ કરવા સાથે શોધખોળ ની તજવીજો શરૂ કરી હોવાનું જાણવા મળે છે. લાંબા સમય બાદ ફરી એકવાર બારડોલી નગરમાં ચેઇન સ્નેચરોએ ઘટનાને આપેલા એક નવા અંજામ ના કારણે બારડોલી ટાઉન પોલીસ મથકમાં ઓછા મહેકમ અને વધુ પડતી કામગીરીના ભારણને કારણે ગુનાખોરી ને અંકુશમાં રાખવાની બાબત પોલીસ માટે પડકાર જણાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *