ગાંધીનગર શહેરના નાગરિકો ગણપતિનું વિસર્જન સંત સરોવર ખાતે બનાવેલ કુંડમાં જ કરી શકશે : ચાર તાલુકામાં બનાવાયેલા કૃત્રિમ કુંડમાં મૂર્તિ વિસર્જનનું આયોજન

ગાંધીનગર શહેરના નાગરિકો ગણપતિનું વિસર્જન સંત સરોવર ખાતે બનાવવામાં આવેલા કુંડમાં જ કરી શકશે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.ડી.સિંહે એક જાહેરનામુ બહાર પાડીને જણાવ્યું છે કે, ભાટ, કરાઇ, ઘોળેશ્વર તથા ઇન્દિરાબ્રિજની ગાંધીનગર સાઇડ બાજુ મૂર્તિ વિસર્જન કરી શકાશે નહિ. ગાંધીનગરના ચાર તાલુકામાં બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડોમાં જ મૂર્તિનું વિસર્જન કરવા જણાવવામાં આવ્યું છે.

 અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામામાં જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં દર વર્ષે ધાર્મિક તહેવારોની ઉજવણી દરમ્યાન જુદા જુદા દેવી દેવતાઓની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવતી હોય છે. સ્થાપના બાદ ધાર્મિક રીતિ-રિવાજ અનુસાર પ્રસંગ વિત્યા બાદ આ મૂર્તિઓને ગાંધીનગર જિલ્લાની જુદી જુદી નદીઓ, તળાવોના પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે. દેવી દેવતાઓની મૂર્તિઓ કયારેક પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવેલ હોય છે. કેમીકલયુક્ત રંગોનો ઉપયોગ કરીને મૂર્તિઓને સુશોભિત કરવામાં આવે છે. મૂર્તિઓનું નદી તળાવમાં વિસર્જન કરવામાં આવતા પી.ઓ.પીની મૂર્તિઓ અને તેનો કેમિકલયુક્ત કલર પાણીમાં ભળવાથી પાણીમાં રહેતા માછલી જેવા પાણીજન્ય જીવોનું મૃત્યુ થાય છે. પાણી તથા પર્યાવરણને નુકશાન થાય છે. જિલ્લાની હદમાં આવતી નદી – તળાવોનું શુધ્ધિકરણ તથા પર્યાવરણની જાળવણી પણ જરૂરી છે. પર્યાવરણ એકટ-૧૯૮૬ની કલમ- ૫ મુજબ ગુજરાત સરકારના પર્યાવરણ વિભાગની સુચના અનુસાર પર્યાવરણને નુકશાન ન થાય તે હેતુ માટે સાવચેતીના પગલા લેવા જરૂરી જણાય છે.
 ગણેશ ઉત્સવ બાદ ત્રીજા, પાંચમા, સાતમા, નવમા અને અગિયારમા દિવસે મૂર્તિઓનુ વિસર્જન કરવાનું હોવાથી મોટા પ્રમાણમાં ભકતો વિસર્જન કરવા આવતા હોય છે. નદી તથા કેનાલમાં ગણેશ વિસર્જન સમયે પાણીમાં ડુબવાના અકસ્માતો નિવારવા પણ જરૂરી છે. ગાંધીનગર જિલ્લામાં ભૂતકાળમાં બનેલા બનાવોને ધ્યાને લઇ કોઈ વ્યક્તિનું ડૂબવાથી મરણની ઘટના ન બને તે અંગેની સાવચેતીના પગલાં લેવા અને પાણી તથા પર્યાવરણમાં થતાં પ્રદુષણને અટકાવવાના હેતુસર આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
ગણેશ વિસર્જન સમયે મોટી સંખ્યામાં આવતા લોકોને કારણે કોઇ અકસ્માતની ઘટના ન સર્જાય તે માટે એક સાથે ટોળામાં આવીને વિસર્જન કરવાની પણ જાહેરનામામાં મનાઇ ફરમાવવામાં આવી છે. આ જાહેરનામું તા. ૧૦મી સપ્ટેમ્બરના કલાક ૨૪.૦૦ સુઘી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે બિનજામીનપાત્ર ગુનો નોંઘવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *