ભારતે હૉંગકોંગને 40 રને હરાવીને એશિયા કપની બીજી મેચમાં શાનદાર જીત મેળવી હતી. હૉંગકોંગ વિરૂદ્ધ જીત સાથે જ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિત શર્મા હવે ટી-20 ફોર્મેટમાં ભારતનો બીજો સૌથી સફળ કેપ્ટન બની ગયો છે. રોહિત શર્માએ આ મામલે વિરાટ કોહલીને પછાડી દીધો છે.

ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે રોહિત શર્માની 37 મેચમાં 31મી જીત હતી. વિરાટ કોહલીની વાત કરીએ તો તેને 50 ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી કરી હતી, જેમાં ભારતને 30 મેચમાં જીત મળી હતી. એમએસ ધોની ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો સૌથી સફળ કેપ્ટન છે. એમએસ ધોનીએ 72 ટી-20 મેચમાં ભારતીય ટીમની કેપ્ટન્સી કરી હતી જેમાં ભારતને 41 મેચમાં જીત મળી હતી.

ધોની-મોઇનને પછાડ્યો
રોહિત શર્માએ કેપ્ટન તરીકે એશિયા કપમાં પોતાની સતત સાતવી જીત મેળવી છે અને તે આમ કરનાર પ્રથમ કેપ્ટન બની ગયો છે. આ મામલે એમએસ ધોની અને મોઇન ખાન સંયુક્ત રીતે બીજા સ્થાન પર છે, જેમણે કેપ્ટન તરીકે એશિયા કપના ઇતિહાસમાં સતત છ જીત મેળવી હતી. વર્ષ 2018માં એશિયા કપમાં ભારતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં સતત પાંચ મેચ જીતી હતી. આ વખતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે અત્યાર સુધી બન્ને મેચ જીતી છે.

કેપ્ટન્સીમાં રોહિત શર્માનું શાનદાર પ્રદર્શન
ગત વર્ષ ટી-20 વર્લ્ડકપ પછી વિરાટ કોહલીએ કેપ્ટન્સી છોડી દીધી હતી, જે બાદ રોહિત શર્મા ટી-20માં ફૂલટાઇમ કેપ્ટન બન્યા હતા. બાદમાં રોહિત શર્માને વન ડે અને ટેસ્ટ ક્રિકેટમાં પણ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ફૂલટાઇમ કેપ્ટન બન્યા બાદ રોહિત શર્માની કેપ્ટન્સી રેકોર્ડ ઘણો સારો રહ્યો છે પરંતુ તે બેટથી એટલુ સારૂ પ્રદર્શન કરી શક્યો નથી. હૉંગકોંગ વિરૂદ્ધ મેચમાં પણ રોહિત શર્મા માત્ર 23 રન બનાવીને આઉટ થયો હતો.