
ગાંધીનગરમાં ખડગેના નિવેદન સામે ભાજપનો વિરોધ, કોંગ્રેસે ‘મેલોડી’ વહેંચી આપ્યો જવાબ
ગાંધીનગરમાં ભાજપ-કોંગ્રેસ સામસામે: ભાજપે ખડગે પાસે માફીની માંગ કરી, કોંગ્રેસે ‘જય શ્રી રામ’ના નારા સાથે મેલોડી ચોકલેટ વહેંચી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ પિતા અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ નિવેદનના વિરોધમાં આજે ગાંધીનગરમાં ભાજપે પ્રદર્શન કર્યું હતું, જ્યારે બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોએ પણ પોતાના અંદાજમાં વિરોધ નોંધાવ્યો હતો.

ભાજપની રેલીમાં ખડગે સામે સૂત્રોચ્ચાર
ગાંધીનગરમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ ‘ખડગે માફી માંગે’ના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં સાંસદ હસમુખ પટેલ, અલ્પેશ ઠાકોર, ભરત પંડ્યા સહિતના ભાજપના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. કાર્યકરોએ પોસ્ટરો દર્શાવીને ખડગેના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી હતી.
ભાજપના કાર્યકરો ઘ-સર્કલથી રેલી સ્વરૂપે કોંગ્રેસ કાર્યાલય તરફ આગળ વધ્યા હતા. જોકે, કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચતા પહેલાં પોલીસે તેમને અટકાવ્યા હતા.

કોંગ્રેસ કાર્યાલય પર ‘જય શ્રી રામ’ના નારા, મેલોડી ચોકલેટનું વિતરણ
બીજી તરફ, કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા. અહીં કાર્યકરોએ ‘શ્રી રામ જય જય રામ’ના ભજનો અને નારા લગાવ્યા હતા. સાથે જ ‘મેલોડી’ ચોકલેટનું વિતરણ કરીને ભાજપના વિરોધ સામે પ્રતિકાત્મક રીતે પોતાનો જવાબ આપ્યો હતો.
કોંગ્રેસ કાર્યાલય નજીક ભાજપના કાર્યકરો વિરોધ નોંધાવી પરત ફર્યા હતા. પોલીસ દ્વારા બંને પક્ષના કાર્યકરોને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
નિવેદનથી ગુજરાતમાં રાજકીય ઘમાસાણ
મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ખેંચતાણ તેજ બની છે. ગાંધીનગરમાં બંને પક્ષના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનથી રાજકીય માહોલ ગરમાયો છે. એક તરફ ભાજપે માફીની માંગ ઉઠાવી છે, તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોએ પ્રતિકાત્મક વિરોધ દ્વારા રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.
