CRIME આદિપુરમાં યુવાન સાથે રૂ. 34.50 લાખની છેતરપિંડીનો આક્ષેપ, મહિલા સામે ફરિયાદ નોંધાઈ

CRIME આદિપુરમાં યુવાન સાથે રૂ. 34.50 લાખની છેતરપિંડીનો આક્ષેપ, મહિલા સામે ફરિયાદ નોંધાઈ

CRIME કચ્છના આદિપુરમાં વિશ્વાસમાં લઈને યુવાન સાથે રૂ. 34,50,260ની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની એક મહિલા સામે ફરિયાદ નોંધાઈ છે. મકાન ખરીદી, બાંધકામ, ફર્નિચર, ઉછીના નાણાં તેમજ મોબાઇલ અને ટુ-વ્હીલરની ખરીદી પાછળ ખર્ચ કરાવ્યા બાદ નાણાં પરત ન આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

CRIME ગેરેજમાં કામ કરતી મહિલા સાથે ઓળખાણ થઈ

ફરિયાદની વિગતો અનુસાર, આદિપુરના 4-બી વિસ્તારમાં રહેતા વિજય અમરશી સોલંકીની અગાઉ ટાગોર રોડ પાસે ‘શિણાય ઓટો’ નામની ગેરેજની દુકાન હતી. આ ગેરેજમાં વીમા કોલિંગના કામ માટે કિડાણામાં રહેતી શબનમ અયુબ પઠાણ નામની મહિલાને નોકરીએ રાખવામાં આવી હતી. ગેરેજમાં અન્ય આઠથી દસ વ્યક્તિઓ પણ કામ કરતા હતા.

આક્ષેપ મુજબ, શરૂઆતમાં મહિલા ઘરેથી જમવાનું લાવી ગેરેજના સ્ટાફને ખવડાવતી અને સૌની સાથે સારું વર્તન કરતી હતી. ત્યારબાદ ફરિયાદી સાથે વિશ્વાસ કેળવી બંને હોટલમાં જમવા અને ફરવા પણ જતાં હતાં.

CRIME મકાન ખરીદવા માટે ફરિયાદી પાસેથી નાણાં લીધા

દરમિયાન ફરિયાદી સ્ટાફના રહેવા માટે મકાન શોધી રહ્યા હતા. ત્યારે મહિલાએ કિડાણાની પિંકસિટી વિસ્તારમાં આવેલું મકાન નંબર 192 ખરીદવાની વાત કરી હતી. ફરિયાદ મુજબ, સાટાખત દ્વારા મકાન ખરીદ્યા બાદ મહિલાએ પોતે આ મકાન લેવા ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે, હાલ પોતાની પાસે પૂરતા નાણાં ન હોવાનું જણાવી મકાન પોતાના નામે કરાવવા માટે ફરિયાદી પાસેથી ઉછીના નાણાં માગ્યા હતા.

મહિલાએ પોતાની વિશી ચાલુ હોવાનું અને પતિ શિપિંગ કંપનીમાં નોકરી કરતા હોવાથી આવકનો આધાર હોવાનું કહી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હોવાનો આક્ષેપ છે.

ફરિયાદ મુજબ, ત્યારબાદ ફરિયાદીએ મકાન માટે નાણાં આપ્યા હતા. મકાનના ઉપરના માળે બાંધકામ કરાવ્યું અને ફર્નિચર પણ લગાવડાવ્યું હતું. આ ઉપરાંત, મહિલાએ ફરિયાદી પાસેથી રૂ. 2,31,140 ઓનલાઇન મેળવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

CRIME આઇફોન અને ટુ-વ્હીલર પણ ખરીદાવી લીધાનો આક્ષેપ

ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહિલાએ દબાણ કરીને ફરિયાદી પાસે આઇફોન અને એક્ટિવા/સુઝુકી એક્સેસ ટુ-વ્હીલર પણ ખરીદાવ્યાં હતાં. આ રીતે મકાન, બાંધકામ, ફર્નિચર, ઉછીના નાણાં અને અન્ય ખરીદી સહિત કુલ રૂ. 34,50,260ની રકમનો મામલો હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે.

નાણાં પરત માગતાં બદનામ કરવાની અને આત્મહત્યાની ધમકી આપ્યાનો આક્ષેપ

ફરિયાદ મુજબ, જ્યારે વિજય સોલંકીએ પોતાના નાણાં પરત માગ્યાં ત્યારે મહિલા તેમને બદનામ કરવાની અને જેલમાં પુરાવી દેવાની ધમકી આપતી હતી. આ ઉપરાંત, દવા પીને આત્મહત્યા કરી લેશે અને તેમાં ફરિયાદી તથા અન્ય લોકોનાં નામ લખાવશે તેવી ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

દરમિયાન ફરિયાદીની ગેરેજ પણ બંધ થઈ જતાં તેઓ આર્થિક અને માનસિક મુશ્કેલીમાં મુકાયા હતા.

ફિનાઇલ પીધા બાદ સારવાર કરાવી, પછી પોલીસ ફરિયાદ

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઘટનાથી કંટાળીને વિજય સોલંકીએ ગત 8 ઓક્ટોબરના રોજ પોતાના ઘરે ફિનાઇલ પી લીધું હતું. ત્યારબાદ તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સારવાર બાદ સ્વસ્થ થતાં તેમણે પોલીસનો સંપર્ક કરી મહિલા સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન નાણાકીય વ્યવહારો, મકાન સંબંધિત દસ્તાવેજો અને અન્ય વિગતોની ચકાસણી કરવામાં આવશે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *