
અમદાવાદમાં રેસ્ટોરન્ટના કિચનનું લાઈવ CCTV ગ્રાહકોને દેખાડવું પડશે
અમદાવાદ: શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા અંગે વધુ પારદર્શિતા લાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. શહેરના 11,123 રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સને રસોડામાં CCTV કેમેરા લગાવી તેનું લાઈવ ફીડ રિસેપ્શન અથવા ગ્રાહકોની બેઠક વ્યવસ્થા નજીક દર્શાવવા સૂચના આપવામાં આવી છે.
ફૂડ વિભાગના જણાવ્યા મુજબ, આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ ગ્રાહકોને રેસ્ટોરન્ટના રસોડામાં સ્વચ્છતા અને ખાદ્ય તૈયાર કરવાની પ્રક્રિયા અંગે વધુ પારદર્શિતા આપવાનો છે.

FSSAIના નિયમોનું પાલન ફરજિયાત
ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે રેસ્ટોરન્ટ અને અન્ય ફૂડ બિઝનેસમાં રસોડાની સ્વચ્છતા, કર્મચારીઓની વ્યક્તિગત હાઈજીન, કાચા અને તૈયાર ખોરાકનું અલગ સ્ટોરેજ, સલામત પાણીનો ઉપયોગ, નિયમિત પેસ્ટ કંટ્રોલ તથા કચરાના યોગ્ય નિકાલ જેવા નિયમોનું પાલન કરવું જરૂરી છે.
ખાદ્ય સામગ્રીને ધૂળ અને જીવાતોથી બચાવવા, યોગ્ય કચરા વ્યવસ્થાપન કરવા તેમજ રસોઈના તેલના યોગ્ય ઉપયોગ અંગે પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી
19 ઓગસ્ટે હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન વિવિધ સ્થળોએ અસ્વચ્છતા, જીવાત, ભેળસેળ અને જરૂરી લાયસન્સના અભાવ જેવા કિસ્સા સામે આવ્યા હતા. ફૂડ વિભાગે આવા એકમો સામે સીલ સહિતની કાર્યવાહી કરી હતી.
સત્તાવાળાઓએ ચેતવણી આપી છે કે ગંભીર અથવા વારંવાર નિયમોનો ભંગ કરનાર એકમનું લાયસન્સ રદ કરવાની સાથે તેને સીલ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે.
અનેક એકમો સામે કાર્યવાહી
સૈજપુર બોઘા વિસ્તારમાં મહાત્મા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજની કેન્ટીનમાં FSSAI લાયસન્સનો અભાવ, ગંદકી અને ખાદ્ય સામગ્રીમાં જીવાત મળી આવતાં કાર્યવાહી કરવામાં આવી હતી.
મણિનગરના MAD OVER GRILLSમાં મેંદામાં જીવતી જીવાત મળી આવતા એકમ સીલ કરવામાં આવ્યો હતો. કુબેરનગરના રાજેશ દૂધ ઘર અને પ્રખ્યાત રોડ વિસ્તારના ભૈરવનાથ ભોજનાલયમાં પનીરના જથ્થા અંગે શંકા જણાતા કાર્યવાહી કરવામાં આવી હતી.
દિલ્હી દરવાજા વિસ્તારમાં સંતોષ ઘી ભંડારમાં વનસ્પતિ તેલમાંથી ઘી બનાવાતું હોવાની માહિતી મળતાં નમૂના લેવામાં આવ્યા હતા અને એકમ સીલ કરાયો હતો. બહેરામપુરની સમ્રાટ બેકરી તથા સરખેજના સબરુ ચાઈનીઝ મોકલાઈ એન્ડ તવા ફ્રાય સામે પણ જરૂરી લાયસન્સ અને સ્વચ્છતા સંબંધિત ખામીઓ બદલ કાર્યવાહી કરાઈ હતી.
રેસ્ટોરન્ટ સંચાલકોએ ગ્રાહકોના દુરુપયોગ અંગે પણ ચિંતા વ્યક્ત કરી
રેસ્ટોરન્ટ સંચાલકોના મતે રસોડાનું લાઈવ CCTV ગ્રાહકો માટે પારદર્શિતા વધારવાનું સારું પગલું છે. જોકે, કોઈ ગ્રાહક નાના મુદ્દાને આધારે CCTVનો દુરુપયોગ કરીને રેસ્ટોરન્ટ સંચાલકો કે કર્મચારીઓ સાથે વિવાદ ઊભો ન કરે તે બાબતનું પણ ધ્યાન રાખવું જરૂરી હોવાનું સંચાલકોએ જણાવ્યું છે.
AMCના આ નિર્ણયથી શહેરમાં રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસની સ્વચ્છતા અંગે ગ્રાહકોને સ્થળ પર જ વધુ માહિતી મળી શકશે અને ખાદ્ય સુરક્ષાના નિયમોના પાલન પર પણ નજર વધશે.
