
આણંદના ઉમેટા નજીક સ્વિમિંગ પૂલમાં ડૂબી બે બાળકોનાં મોત, પરિવાર પર તૂટી પડ્યું દુઃખ
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ઉમેટા નજીક આવેલા એક રિસોર્ટમાં શનિ-રવિની રજાઓ માણવા આવેલા પરિવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં બે બાળકોનાં કરુણ મોત નીપજ્યાં હતા.
મળતી માહિતી મુજબ, વડોદરના તાંદલજા વિસ્તારમાં રહેતો પરિવાર રજાઓ માણવા માટે ઉમેટા નજીક આવેલા કામધેનુ રિસોર્ટમાં આવ્યો હતો. પરિવાર રિસોર્ટમાં રોકાયો હતો. દરમિયાન બંને બાળકો સ્વિમિંગ પૂલમાં નાહવા ગયા હતા. આ સમયે તેઓ ઊંડા પાણીમાં જતાં ડૂબવા લાગ્યા હતા.
બાળકો ડૂબી રહ્યા હોવાની જાણ થતાં પરિવારજનોએ તાત્કાલિક બંનેને પૂલમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને બંને બાળકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. સમગ્ર મામલે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવે રિસોર્ટ અને સ્વિમિંગ પૂલમાં બાળકોની સુરક્ષા તથા જરૂરી દેખરેખ અંગે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે.
