
ભુજ GIDCમાં LCBનો જુગારધામ પર દરોડો, 9 શખ્સો ઝડપાયા
ભુજ: પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ભુજ શહેરમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડી તીન પત્તીનો જુગાર રમતા 9 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ રૂ.12.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ભુજ બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા GIDC વિસ્તારમાં હનુમાનજી મંદિર પાછળ લસણની ફેક્ટરીના ખુલ્લા વરંડામાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં ગંજીપાનાથી તીન પત્તીનો જુગાર રમાતો હોવાનું સામે આવ્યું હતું.
દરોડા દરમિયાન પોલીસે રૂ.3,31,900 રોકડા, 52 ગંજીપાના, 7 મોબાઇલ ફોન અને 5 વાહનો મળી કુલ રૂ.12,66,900નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે આ મામલે વિમલ શશીકાંત જોષી, અનિલ ભરતભાઈ ઝાલા, નરેન્દ્રસિંહ દલપતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ માનસંગજી સોઢા, મામદહુશેન અબ્દુલા કુંભાર, નરેન્દ્ર જસાભાઈ મહેશ્વરી, ભીખાલાલ વીરજી મહેશ્વરી, હર્ષ મહેશભાઈ જેઠી અને કિશોર માવજીભાઈ દબાસીયા સહિત 9 શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
