મુન્દ્રામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાએ તિરંગાને સલામી આપી

મુન્દ્રામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાએ તિરંગાને સલામી આપી

મુન્દ્રા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી તથા કચ્છના પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. પ્રભારીમંત્રીએ તિરંગાને સલામી આપી નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમને સંબોધતા કાંતિલાલ અમૃતિયાએ ભારતની આઝાદી માટે યોગદાન આપનાર તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન કરી જણાવ્યું હતું કે, અનેક સંઘર્ષો બાદ પ્રાપ્ત થયેલી આઝાદીને જાળવવી દરેક નાગરિકની ફરજ છે. તેમણે નાગરિકોને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ સાથે અખંડ ભારતની કલ્પનાને સાકાર કરવા કટિબદ્ધ બનવા હાકલ કરી હતી.

કચ્છના વિકાસનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, ૨૦૦૧ના ભૂકંપ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી વિચારસરણીના પરિણામે કચ્છને વિકાસની નવી પાંખો મળી છે. નર્મદાના પાણીના આગમનથી કચ્છમાં હરિયાળી વધી છે તેમજ ખેતી અને પીવાના પાણીની સમસ્યામાં મોટો ઘટાડો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કચ્છના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેમણે કચ્છના ઔદ્યોગિક, પ્રવાસન, કૃષિ, રોજગાર અને કનેક્ટિવિટી ક્ષેત્રે થયેલા વિકાસનો ઉલ્લેખ કર્યો હતો. કંડલા અને મુન્દ્રા બંદરોનો વિકાસ, રણોત્સવ અને પતંગોત્સવ જેવા કાર્યક્રમો તેમજ ધાર્મિક સ્થળોના વિકાસથી કચ્છમાં પ્રવાસન અને રોજગારીની તકોમાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કચ્છ વિશ્વને નવી દિશા આપશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે મુન્દ્રા તાલુકાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, વન વિભાગ, પશુપાલન તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ રમતવીરોનું મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે પ્રભારીમંત્રી સહિત મહાનુભાવોએ ગ્રાઉન્ડ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો અનિરુદ્ધ દવે, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, કેશુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, મુન્દ્રા એએસપી ગૌતમ વિવેકાનંદન, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયા, અધિક કલેક્ટર પ્રણવ વિઠાણી સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *