અમદાવાદમાં અકસ્માત કરાવી લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ, કાલુપુર લૂંટ કેસમાં બે આરોપી ઝડપાયા

અમદાવાદમાં અકસ્માત કરાવી લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ, કાલુપુર લૂંટ કેસમાં બે આરોપી ઝડપાયા

અમદાવાદ: શહેરમાં અકસ્માતનો બહાનો બનાવી વાહનચાલકોને નિશાન બનાવી લૂંટ ચલાવતી ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી છે. કાલુપુરના ઘી કાંટા ચાર રસ્તા નજીક ટુ-વ્હીલર ચાલકને ટક્કર મારી તેની પાસેથી રૂ. 2.39 લાખની રોકડ ભરેલી થેલી લૂંટી ફરાર થયેલા બે આરોપીઓને અમદાવાદ શહેર LCB ઝોન-3 પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.

અકસ્માત કરાવી ફરિયાદીને રસ્તા પર પાડી દીધા

મળતી માહિતી મુજબ, 9 ઓગસ્ટના રોજ સવારે આશરે 6:15 વાગ્યે ફરિયાદી પોતાનું ટુ-વ્હીલર લઈને કાલુપુરના ઘી કાંટા ચાર રસ્તા નજીક બુટગલી પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન આરોપીઓએ કથિત રીતે જાણી જોઈને પોતાનું ટુ-વ્હીલર ફરિયાદીના વાહન સાથે અથડાવ્યું હતું.

ટક્કરના કારણે ફરિયાદી નીચે પડી ગયા બાદ આરોપીઓએ તેમની પાસે રહેલી રોકડ રકમની થેલી ઝૂંટવી લીધી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

LCBની કાર્યવાહી, બે આરોપી ઝડપાયા

લૂંટની ઘટનાની તપાસ દરમિયાન LCB ઝોન-3ને મળેલી બાતમીના આધારે પોલીસે 10 ઓગસ્ટે બે શખ્સોની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ મોહમદ શાહરુખ ઉર્ફે કેલા અંસારી અને જાફર ઉસ્માનભાઈ શેખ, બંને રખિયાલ વિસ્તારના રહેવાસી તરીકે થઈ છે.

પોલીસે આરોપીઓ પાસેથી લૂંટની સંપૂર્ણ રૂ. 2.39 લાખની રોકડ રકમ, બે મોબાઈલ ફોન તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલ વાહન સહિત કુલ રૂ. 3.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બંને આરોપીઓ સામે અગાઉ પણ ગુના નોંધાયેલા

પોલીસ તપાસમાં બંને આરોપીઓ અગાઉથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. મુખ્ય આરોપી મોહમદ શાહરુખ ઉર્ફે કેલા અંસારી સામે મણીનગર, ખોખરા અને નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ બનીને ગુના આચરવાના કેસ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આ ઉપરાંત આરોપી સામે ઓઢવ, અમરાઈવાડી અને ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ચોરી તથા મારામારી સહિતના ગુનાઓ પણ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે જાફર શેખ સામે રખિયાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સંબંધિત ગુનો નોંધાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

કાલુપુર પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ હવે આ પ્રકારની અન્ય ઘટનાઓમાં પણ આરોપીઓની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *