
પશ્ચિમ કચ્છ LCBની મોટી કાર્યવાહી: 100 કિલો શંકાસ્પદ ગૌવંશનું માંસ જપ્ત
પશ્ચિમ કચ્છ સ્થાનિક ગુના શાખા (LCB)એ ભુજ તાલુકાના માધાપર પોલીસ મથક વિસ્તારમાં આવેલા પૈયા ગામની સીમમાં કાર્યવાહી કરીને ગૌવંશના માંસના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી અંદાજે 100 કિલોગ્રામ શંકાસ્પદ ગૌવંશનું માંસ સહિત કુલ રૂ. 5,18,750નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં કરીમ ભચુ મમણ અને હનીફ આમદ ત્રાયા (બંને રહે. નાના વરનોરા)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી 100 કિલો શંકાસ્પદ ગૌવંશનું માંસ, નાની-મોટી છરીઓ, કુહાડી, જીજે-12-એઝેડ-5092 નંબરનું માલવાહક વાહન, એક ટ્રેક્ટર તેમજ રોકડા રૂ. 3,750 મળી કુલ રૂ. 5,18,750નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસે કબજે કરાયેલા માંસના નમૂનાઓ પરીક્ષણ માટે ફોરેન્સિક તપાસ અર્થે મોકલ્યા છે. કેસમાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ જિયાદ કરીમ મમણ, આદીલ જુમા ઉર્ફે ડાડા મમણ અને અલ્લાઉદ્દીન હનિફ ત્રાયા (ત્રણેય રહે. નાના વરનોરા) ફરાર હોવાનું સામે આવ્યું છે. તેમની શોધખોળ માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરી છે.
આ સમગ્ર કાર્યવાહી પીઆઈ એ. એમ. મકવાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ. એચ. શિણોલ તથા પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો