આનંદનો ગરબો : શક્તિ ઉપાસના અને શાસ્ત્રસારનું અમર ગાન

આનંદનો ગરબો : શક્તિ ઉપાસના અને શાસ્ત્રસારનું અમર ગાન

લેખક: ડૉ.કૃણાલ ભાગવત કથાકાર પ્રજ્ઞાચક્ષુ

આપણી મધ્યકાલીન ભક્તિ પરંપરામાં અનેક મહાન સંતો અને ભક્તો થયા છે, જેમણે ભગવાનની ઉપાસના કરીને ભક્તિનું તત્વ સામાન્ય જનમાનસ સુધી પહોંચાડ્યું. આ પરંપરામાં ભક્ત કવિ વલ્લભનું સ્થાન અતિ વિશિષ્ટ છે. તેઓ માતાજીના પરમ ઉપાસક અને શક્તિભક્તિના પ્રખર પ્રચારક હતા. ભક્તિમાર્ગના શિરમોર સમાન ભક્ત કવિ વલ્લભે બહુચર માતાજીની કૃપા અને આજ્ઞાથી આનંદનો ગરબો રચ્યો હતો.

આનંદનો ગરબો માત્ર એક ભક્તિગીત નથી, પરંતુ બહુચર માતાજીની દિવ્ય વાણી છે. તેની દરેક પંક્તિમાં માતાજીનું સજીવ સ્વરૂપ બિરાજમાન છે. કુલ ૧૧૮ કડીઓ ધરાવતા આ ગરબામાં ભક્ત કવિ વલ્લભે સમગ્ર શાસ્ત્રનો સાર અત્યંત સરળ ભાષામાં રજૂ કર્યો છે.

આનંદના ગરબાની કેટલીક પંક્તિઓ પર વિચાર કરીએ તો સમજાય છે કે આપણે ઘણીવાર માનીએ છીએ કે માતાજી માત્ર મંદિરમાં જ નિવાસ કરે છે. પરંતુ ગરબામાં કહેવામાં આવ્યું છે:

“સ્વર્ગ, મૃત્યુ, પાતાળ વાસ, સકળ તારો મા, બાળ કરી સંભાળ, કર ઝાલો મારો મા.”

આ પંક્તિ દર્શાવે છે કે માતાજી સ્વર્ગ, મૃત્યુલોક અને પાતાળ સહિત સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપક છે. તેઓ આપણા અંતરમાં આત્મસ્વરૂપે પણ બિરાજે છે.

ભગવાન નારાયણે ધર્મની સ્થાપના માટે લીધેલા વિવિધ અવતારોનું પણ આનંદના ગરબામાં સુંદર વર્ણન કરવામાં આવ્યું છે:

મત્સ્ય, કચ્છ, વરાહ, નરસિંહ, વામન થઈ માં…”

દરેક અવતારમાં શક્તિનો સાથ રહ્યો છે. ભગવાન વરાહ સાથે વારાહી, ભગવાન રામ સાથે સીતાજી અને ભગવાન શ્યામ સાથે ભગવતી શ્યામાનું અવિભાજ્ય સ્થાન છે. શક્તિ વિના કોઈપણ અવતાર પૂર્ણ નથી.

શ્રીમદ્ ભાગવતના અનેક પ્રસંગો પણ આ ગરબામાં સમાવવામાં આવ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્યનો પ્રસંગ નીચેની પંક્તિમાં અતિ સંક્ષિપ્ત પરંતુ અર્થસભર રીતે રજૂ થયો છે:

મધ્ય મથુરાની માંહી, ગોકુળ તો પહોંચ્યું મા, એનાથી મોહ ઝાડ, બીજું કોઈ ન હતું મા.”

ભગવાન બલરામજીના ગર્ભનું યોગમાયાએ દેવકીના ગર્ભમાંથી સંકર્ષણ કરીને રોહિણીના ગર્ભમાં સ્થાપન કર્યું, તે દિવ્ય પ્રસંગનો પણ અહીં સંકેત આપવામાં આવ્યો છે. યોગમાયા એટલે જ જગદંબા માતાજી.

આનંદના ગરબામાં રામાયણનો સાર પણ એક જ પંક્તિમાં સમાવી લેવાયો છે:

આઈ અયોધ્યા ઈશ, નાની દશમસ્તક ભોજવીશ, શેરડી સીતા મળ્યા.”

આ પંક્તિમાં ભગવાન શ્રીરામના જીવનના મુખ્ય પ્રસંગોનો સંકેત આપવામાં આવ્યો છે.

આપણે રોજ પ્રાર્થનામાં બોલીએ છીએ “ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ…” તે જ ભાવ આનંદના ગરબામાં પણ વ્યક્ત થયો છે:

“નમો નમો જગ માત, નામ સહસ્ત્ર તારા મા, માત ને ભ્રાત તું, સર્વે મારા મા.”

અહીં ભક્ત કવિ વલ્લભ દર્શાવે છે કે સમગ્ર જગતમાં માતાજી જ આપણું સર્વસ્વ છે.

માતાજીના મહિમાનું વર્ણન કરતાં તેઓ કહે છે:

“અધમ ઉદાહરણ નાથ, આસનથી ઊઠી મા, રાખણ જગ વહેવાર, બંધ બાંધી મુઠ્ઠી મા.”

આ પંક્તિનો ભાવ એ છે કે મનુષ્ય જ્યારે કોઈને મદદ કરે છે ત્યારે તેની ચર્ચા બધે થાય છે, પરંતુ માતાજી જ્યારે આપે છે ત્યારે કોઈને જાણ પણ થતી નથી. તેમની કૃપા નિઃસ્વાર્થ અને નિઃશબ્દ હોય છે. તેથી જ જગત સાથેનો સંબંધ ક્ષણિક છે, જ્યારે માતાજી સાથેનો સંબંધ શાશ્વત અને સત્ય છે.

આનંદના ગરબાની મૂળ વિષયવસ્તુ એ છે કે શક્તિ તત્વ જ નિત્ય તત્વ છે.

શરણાગતિનો ભાવ વ્યક્ત કરતાં ભક્ત કવિ વલ્લભ કહે છે:

હું કેવો છું, કુપાત્ર, કુશીલ કર્મ અધર્મ વહ્યો મા…”

આ જ ભાવ આદિ જગદ્‌ગુરુ આદિ શંકરાચાર્યજીએ ભવાની અષ્ટકમાં વ્યક્ત કર્યો છે કે, “હે ભવાની! તમે જ મારી એકમાત્ર ગતિ છો.”

આનંદના ગરબાની શરૂઆત જ આનંદના ભાવથી થાય છે:

“આઈ, આજ મને આનંદ વાદ્યો અતિ ઘણો મા, ગાવા ગરબા છંદ બહુચર માતાના મા.”

અહીં આનંદને જ માતાજીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. જ્યારે અંતરમાં દિવ્ય આનંદ પ્રગટે છે ત્યારે માતાજીનો અનુભવ થાય છે. ‘મા’ આ એક જ અક્ષરમાં સમગ્ર સૃષ્ટિની ગરીમા સમાઈ ગઈ છે.

આપણા દરેક અવતારોએ શક્તિની ઉપાસના કરી છે. શક્તિ વિના બધું જ અશક્ત છે. માતાના ગુણો પર વિચાર કરીએ તો બાળક માંગે તે પહેલાં જ માતા તેની જરૂરિયાત પૂરી કરે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવજીએ પણ શક્તિની આરાધના કરી છે. ‘જય આદ્ય શક્તિ’ની આરતીમાં પણ કહેવામાં આવ્યું છે:

“તેર હશે તુલજા રૂપ, તમે તારિણી માતા, બ્રહ્મા, વિષ્ણુ, સદાશિવ ગુણ તારા ગાતા, અંબે જય જગદંબે.”

આમ, મધ્યકાલીન ભક્તિ પરંપરામાં આનંદનો ગરબો સમગ્ર શાસ્ત્રનો સાર છે. જેમ શ્રીમદ્ ભાગવતમાં ભગવાનનો મહિમા ગવાયો છે, તેમ શ્રીમદ્ દેવીભાગવતમાં ભગવતીનો મહિમા વર્ણવાયો છે. તે દેવીભાગવતનો સાર આનંદના ગરબામાં સમાયેલો છે.

ભક્ત કવિ વલ્લભના સમાજ પરના ઉપકારોનું સંપૂર્ણ વર્ણન કરવું અશક્ય છે. તેઓએ ભક્તિને સરળ ભાષામાં લોકજીવન સુધી પહોંચાડી છે.

આનંદનો ગરબો કરવાથી શું લાભ થાય? ભક્ત કવિ વલ્લભ પોતે જ કહે છે:

“પામે પદાર્થ ચાર, સર્વે સાંભળતા મા.”

અર્થાત્ જે ભક્ત શ્રદ્ધાપૂર્વક આનંદનો ગરબો સાંભળે કે ગાય છે, તેને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય પુરુષાર્થોની પ્રાપ્તિ થાય છે.

જીવનમાં વિકટ પરિસ્થિતિ આવે ત્યારે માતાજીની કૃપાથી હિંમત અને આત્મબળ પ્રાપ્ત થાય છે. ગરબાની અનેક પંક્તિઓમાં ભગવદ્ ગીતા દ્વારા પ્રતિપાદિત આત્મતત્વનું પણ સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે.

ચાલો, આપણે સૌ આનંદના ગરબાનું નિયમિત પારાયણ કરીને પોતાના મનને માતાજીના ચરણોમાં સ્થિર કરીએ અને શક્તિ ઉપાસનાના આ દિવ્ય માર્ગે આગળ વધીએ, એ જ પ્રાર્થના.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *