ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, ભાવનગરમાં પ્રથમ કેસની પુષ્ટિ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, ભાવનગરમાં પ્રથમ કેસની પુષ્ટિ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા કેસો વચ્ચે ભાવનગર જિલ્લામાં પ્રથમ મૃત્યુનો કેસ નોંધાયો છે. વલભીપુર તાલુકાના મેલાણા ગામના 6 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું આરોગ્ય વિભાગે પુષ્ટિ કરી છે. બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજ્યમાં આ વાયરસને કારણે અત્યાર સુધીમાં કુલ 8 બાળકોના મોત નોંધાયા છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બાળક થોડા દિવસ પહેલાં પરિવાર સાથે જામનગરથી મેલાણા ગામ આવ્યો હતો. તેને તીવ્ર તાવ, ચાલવામાં તકલીફ અને ત્યારબાદ આંચકી આવવાના લક્ષણો દેખાતા પહેલા સ્થાનિક સ્તરે સારવાર આપવામાં આવી હતી. હાલત વધુ ગંભીર બનતાં તેને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સઘન સારવાર છતાં બીજા જ દિવસે તેનું મોત થયું હતું.

હોસ્પિટલના બાળરોગ નિષ્ણાતોના જણાવ્યા મુજબ બાળકને ICUમાં વેન્ટિલેટર સહિતની સારવાર આપવામાં આવી હતી. તેની સાથે અન્ય જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી, પરંતુ તમામ પ્રયાસો છતાં તેનો જીવ બચાવી શકાયો નહોતો.

ઘટના બાદ આરોગ્ય વિભાગે મેલાણા ગામમાં સર્વેલન્સ, ઘર-ઘર આરોગ્ય ચકાસણી, દવાનો છંટકાવ અને સંક્રમણ નિયંત્રણની કામગીરી શરૂ કરી છે. ગામના રહેવાસીઓના આરોગ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

રાજ્ય સરકારના તાજા આંકડા મુજબ અત્યાર સુધી 63 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તેમાં 55 નમૂનાઓનું પરીક્ષણ પૂર્ણ થયું છે, જેમાંથી 12 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે. પોઝિટિવ કેસોમાં ગુજરાતના 9 અને રાજસ્થાનના 3 દર્દીઓનો સમાવેશ થાય છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ભાવનગર અને અમદાવાદનો સમાવેશ થાય છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં કેસોની સ્થિતિ, લેબ પરીક્ષણ, સંક્રમણના સંભવિત સ્ત્રોત અને નિયંત્રણ માટેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓને દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને કેસ હિસ્ટ્રીની વિગતવાર તપાસ કરવા તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં દેખરેખ વધુ મજબૂત બનાવવા સૂચના આપવામાં આવી છે.

સાથે જ સંભવિત વાહક સેન્ડફ્લાયના નિયંત્રણ માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં કાચા મકાનો, પશુઓના ગમાણ અને આસપાસના વિસ્તારોમાં દવાનો છંટકાવ તથા જાગૃતિ અભિયાન પણ તેજ કરવામાં આવ્યું છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *