
માંડવીમાં EDII MSDP પ્રોજેક્ટ અંતર્ગત રેઝિન આર્ટ ક્લાસિસનો પ્રારંભ
માંડવીના વોર્ડ નં. 6 ખાતે આવેલ શ્રી ક્લાસિસમાં EDII MSDP પ્રોજેક્ટ અંતર્ગત રેઝિન આર્ટ ક્લાસિસનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો. કાર્યક્રમનું ઉદ્ઘાટન બ્રહ્મ સમાજના મહિલા પ્રમુખ શ્રીમતી પલ્લવીબેન દવેના હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે માંડવી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વર્ષાબેન જોષી, કચ્છ ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ શ્રીમતી ગીતાબેન રાજગોર, માંડવી ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી સુજાતાબેન ભાયાણી તેમજ ટાઉન પ્લાનિંગ ચેરમેન શ્રીમતી કલ્પનાબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
EDII MSDP પ્રોજેક્ટ હેઠળ શરૂ કરવામાં આવેલા આ તાલીમ વર્ગોનો મુખ્ય હેતુ મહિલાઓને રેઝિન આર્ટનું કૌશલ્ય શીખવી તેમને સ્વરોજગારની નવી તકો ઉપલબ્ધ કરાવવાનો છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ મહિલાઓ ઘરઆધારિત વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી શકશે.
કાર્યક્રમમાં પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર દેવાંગભાઈ સોમપુરા તથા અંધ અપંગ સંસ્થાના દિનેશભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ આ પહેલને મહિલાઓના કૌશલ્ય વિકાસ અને આર્થિક સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ ગણાવી તાલીમાર્થી બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી.
EDII MSDP પ્રોજેક્ટ હેઠળ આગામી સમયમાં પણ વિવિધ રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેના માધ્યમથી વધુને વધુ મહિલાઓને આત્મનિર્ભર બનવાની તક પ્રાપ્ત થશે.
