80 FORMS WITHDRAW BY CONGRESS : માંડવી નગરપાલિકાની 36 બેઠક માટે કોંગ્રેસ દ્વારા 80 ફોર્મ ઉપાડવામાં આવ્યા

80 FORMS WITHDRAW BY CONGRESS : માંડવી તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થતા જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. પ્રથમ જ દિવસે નગરપાલિકાની 36 સીટ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આશરે 80 ફોર્મ ઉપાડાતા ટિકિટ માટે ભારે રસ અને આંતરિક સ્પર્ધા સ્પષ્ટ જોવા મળી રહી છે.
બીજી તરફ તલવાણા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટ માટે એક-એક ફોર્મ ઉપડ્યા હતા. સમગ્ર તાલુકામાં રાજકીય પક્ષોમાં હલચલ તેજ બની છે અને ઉમેદવારી નોંધાવવા દાવેદારોની દોડધામ જોવા મળી રહી છે.

80 FORMS WITHDRAW BY CONGRESS : નગરપાલિકાની કુલ 36 બેઠક માટે કોંગ્રેસ દ્વારા પ્રથમ જ દિવસે 80 જેટલા ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. બીજી તરફ તાલુકા પંચાયતની 20 સીટ અને જિલ્લા પંચાયતની 4 સીટ માટે પણ ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટ માટે એક-એક ફોર્મ ઉપાડાતા રાજકીય ગણિત સ્પષ્ટ થવા લાગ્યું છે.
ફોર્મ ભરવાનો અંતિમ દિવસ 11 એપ્રિલ હોવાથી હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન બંને મુખ્ય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. બન્ને પક્ષમાં ઉમેદવારોની યાદી પ્રદેશ કક્ષાએથી જાહેર થવાની હોવાથી આગામી બે દિવસમાં ચિત્ર સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ જશે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.
બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પણ ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલાં જ મેદાનમાં ઊતરી ગઈ છે. પૂર્વ કાઉન્સિલરો તેમજ વર્તમાન દાવેદારો દ્વારા પોતાના પોતાના વોર્ડમાં પ્રચારનો આરંભ કરી દેવામાં આવ્યો છે.
શેરીઓ, ગલીઓ અને મહોલ્લાઓમાં ‘ટિકિટ કોને મળશે?’ તે મુદ્દે ભારે ચર્ચાઓ ચાલી રહી છે. કેટલીક જગ્યાએ તો અંદાજના સટ્ટા પણ રમાઈ રહ્યા હોવાના અહેવાલો રાજકીય માહોલને વધુ રસપ્રદ બનાવી રહ્યા છે.
કેટલીક સીટો પર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ અંદાજે ઉમેદવારો નક્કી કરી દીધા છે અને હવે માત્ર ઔપચારિક રીતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. કેટલાક વોર્ડ તથા તાલુકા-જિલ્લા પંચાયતની સીટો પર ઉમેદવારોના નામ અનૌપચારિક રીતે જાહેર પણ થઈ ચૂક્યા છે.