MINES AND MINERALS DEPARTMENT : ખાણ-ખનીજ વિભાગને ખનીજ માફિયાઓના નામ અને દંડની રકમ છુપાવવામાં રસ, રૂ.2.45 કરોડનો મુ્દ્દામાલ જપ્ત.

MINES AND MINERALS DEPARTMENT : મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતેની ખાનગી માલિકીની જમીનમાં ગેરકાયદે ખોદકામ કરવામાં આવતું હોવાની પૂર્વ બાતમીના આધારે સ્થાનિક ભૂસ્તર અધિકારીઓના કાફલાએ છાપો મારીને બે જેસીબી મશીન, પાંચ ડમ્પર ઝડપી લીધાં હતા.

MINES AND MINERALS DEPARTMENT : જો કે ખાણ ખનીજ વિભાગને દંડ કેટલો ફટકાર્યો અને કોને ફટકાર્યો તે વાત છુપાવવામાં રસ હોય એમ લાગી રહ્યું છે. દંડની રકમ અને ખનીજ માફીયાના નામ જ આપતું નથી.
તેવી જ રીતે સતલાસણા અને ઊંઝાના ઉનાવા રોડ પરથી ગેરકાયદે ખનિજ ચોરી જતાં બે ડમ્પર ગાડીને પકડી લઈ સ્ટોકયાર્ડમાં મુકાવી દીધાં હતા. મહેસાણા ખાણ ખનિજ અધિકારીઓએ બે જેસીબી મશીન તથા સાત ડમ્પર મળી આશરે કુલ 2.45 કરોડનો મુદ્દામાલ ઝડપી લઈ તેના વાહન માલિકો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહેસાણા જિલ્લો ખનિજ,માફિયા શખસો માટે રેઢા પટસમાન હોય તેમ ખનિજ ખનન, વહન કરતા વાહનોને છાસવારે ભૂસ્તર અધિકારીઓ ઝડપી લઈને તોતિંગ દંડ ફટકારી તેની વસુલાત કર્યા બાદ વાહનોને મુક્ત કરવામાં આવતાં હોય છે.
MINES AND MINERALS DEPARTMENT : દરમિયાનમાં વિજાપુર ખાતેની ખાનગી માલિકીની જમીનમાં રોયલ્ટી પરમીટ વગર ખાણકામ કરવામાં આવતું હોવાની પૂર્વબાતમીના આધારે રોયલ્ટી ઓફિસર, માઈન્સ સુપરવાઈઝર સહિતના મસમોટા કાફલાએ ત્રાટકી ગેરકાયદે સાદી માટી ખોદકામ કરતાં બે જેસીબી મશીન તથા પાંચ ડમ્પર મળી કુલ રૂ.1.85 કરોડનો મુદ્દામાલ ઝડપી લઈ તેના વાહન માલિકો સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વિજાપુરમાં ખાનગી માલિકીની જમીનમાં ખાણકામ કરતાં ઝડપાયેલાં એક જેસીબી મશીન તથા ત્રણ ડમ્પરને વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે તેમજ એક જેસીબી મશીન અને બે ડમ્પર નજીકના સલામત સ્થળે મુકવામાં આવ્યાં હતા.
મળતી માહિતી મુજબ ખાનગી માલિકીની જમીનમાં ખનિજ માફિયા દ્વારા કરવામાં આવેલાં ખાણકામની જગ્યાની માપણીની કામગીરી પુરી કરવામાં આવી છે. જેના આધારે ખનિજ ખનન કરનાર આસામીઓને દંડ ફટકારવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. દરમિયાનમાં સતલાસણા રોડપરથી ગેરકાયદે કપચી ભરીને જતાં એક ડમ્પરને મહેસાણા ભૂસ્તર અધિકારીઓએ ઝડપી લીધું હતુ.
તેવી જ રીતે, ઊંઝા તાલુકાના ઉનાવા રોડ પરથી અનધિકૃતરીતે સાદી રેતી ખનિજચોરી જતાં એક ડમ્પર ગાડીને પકડી પાડી ઉનાવા પોલીસ સ્ટેશન ખાતે મુકાવીદીધી હતી. સતલાસણા અને ઉનાવા રોડ પરથી કપચી, રેતી, ડમ્પર મળી કુલ રૂ.60 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. આમ, મહેસાણા જિલ્લા ખાણ ખનિજ અધિકારીઓએ બે દિવસમાં બે જેસીબી મશીન, સાત ડમ્પર ટ્રક મળી કુલ રૂ.2.45 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.