ANJAR NEWS : અંજારમાં 3 ભાણીયા અને તેના પિતાએ વૃધ્ધ મામાનું ધોકા અને પાઇપથી હુમલો કરી ઢીમ ઢાળી દીધું

ANJAR NEWS : અંજારના દેવળીયા નાકા નજીક આવેલા નોડે ફળીયામાં રવિવારે સમી સાંજે બાજુ બાજુમાં જ રહેતા ત્રણ સગા ભાણીયા અને તેના પિતાએ વૃધ્ધ મામાનું ધોકા અને પાઇપથી હુમલો કરી ઢીમ ઢાળી દીધું હોવાની ઘટનાથી પોલીસ દોડતી થઇ હતી. બન્ને પરિવારો વચ્ચે અંટશ હોવાથી અંજામ અપાયો હોવાનું પ્રાથમિક કારણ પોલીસે જણાવ્યું હતું.
આ બાબતે અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, આ હત્યાનો બનાવ ઢળતી સાંજે દેવળીયા નાકા નજીક આવેલા નોડે ફળિયામાં બન્યો હતો. 65 વર્ષીય મૃતક આમદ ઇસ્માઇલ નોડે તથા તેમના બહેન બનેવી બાજુ બાજુમાં રહે છે. પરંતુ બન્ને પરિવારમાં બનતું ન હોવાથી મૃતક આમદભાઇના પુત્ર વધુને તેમના ઘરે જવાની મનાઇ હતી.
આ અંટશને કારણે સાંજે થયેલી બોલાચાલી બાદ મૃતક આમદભાઇના બનેવી અક્રમ હુસેન નોડે અને તેમના ત્રણ પુત્ર એટલે કે મૃતકના ભાણીયા ઇલિયાસ, હુસેન અને ઇકબાલે લોખંડના પાઇપ અને ધોકાથી હુમલો કરી આમદભાઇને ગંભીર ઇજા પહોંચાડતા 65 વર્ષીય વૃધ્ધ ઢળી પડ્યા હતા, વૃધ્ધના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ અંજાર પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી.