JUMPED FROM 14TH FLOOR : સુરતમાં માતાએ પુત્ર સાથે 14મા માળેથી છલાંગ લગાવી, ઈજાગ્રસ્ત માતાને હોસ્પિટલમાં ખસેડાઈ, દીકરાનું મોત

JUMPED FROM 14TH FLOOR : સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા આવાસમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે, જેમાં એક માતાએ પોતાના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી નીચે પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બિલ્ડિંગની ઊંચાઈએથી પટકાવાને કારણે ગંભીર ઈજાઓ થતા માસૂમ દીકરાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

હાલ હોસ્પિટલમાં માતાની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ચકચારી બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત મોતનો ગુનો નોંધી, માતાએ કયા કારણોસર આટલું આત્મઘાતી પગલું ભર્યું તે દિશામાં ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
અલથાણ પીઆઈ ભાવેશ રબારીએ જણાવ્યું હતું કે,આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ સુમન અમૃત આવાસ છે જે ભટાર ચોકી વિસ્તારમાં લાગે છે, ત્યાં એક આશરે 30 વર્ષની મહિલા છે જે પોતાના બાળકને લઈને 14મા માળેથી જમ્પ કરેલાનું જણાઈ આવે છે. આ ઘટનામાં બાળકનું જગ્યા ઉપર જ અવસાન થયેલું છે અને બેનની કન્ડિશન થોડી ક્રિટિકલ છે, હાલ સારવાર અર્થે સિવિલ માટે લાવેલા છે.

JUMPED FROM 14TH FLOOR : પ્રાથમિક તપાસ દરમિયાન મહિલા આવાસની ના હોવાનું જાણવા મળે છે. મહિલા કોણ છે, ક્યાંથી આવી અને આ બનાવ કઈ રીતે બન્યો છે તે અંગે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક રીતે તો બનાવ પોતે આત્મહત્યા કરવા માટે 14મા માળેથી કૂદેલી હોય એવું જણાઈ આવે છે, છતાં પણ પોલીસ સીસીટીવી ફૂટેજ અને બીજા ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરી રહી છે. બાળકની ઉંમર આશરે 5 વર્ષની આસપાસ છે.
ઘટનાસ્થળે જ પાંચ વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે હાલ માતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અત્યાર સુધી આ મહિલાની ઓળખ થઈ શકી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, આવાસમાં રહેતા લોકો પણ તેમને ઓળખતા નથી. એવી શક્યતા છે કે તેઓ ત્યાં હાલમાં જ રહેવા આવ્યા હોય અથવા આત્મહત્યા કરવાના ઈરાદે બહારથી આ બિલ્ડિંગમાં આવ્યા હોય. પોલીસે આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.